RBI Polymer Notes : વિશ્વના 12 દેશમાં પ્લાસ્ટિકની એટલે કે પોલીમરની નોટ ચલણમાં વપરાય છે, ત્યારે હવે ભારત પણ એ દેશોની યાદીમાં સામેલ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ₹10 અને ₹20ની પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારની મંજૂરી અનુસાર RBI ₹10ની 100 કરોડ અને ₹20ની 100 કરોડ એમ કુલ 200 કરોડ પોલિમર એટલે કે પ્લાસ્ટિકની બનેલી નોટ છાપશે. આ પ્લાસ્ટિક કરન્સીનો ટ્રાયલ છે. જો તે સફળ થશે તો આગળ વધુ નોટ છાપવામાં આવશે અને RBIને આ અંગે કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી એટલે કે મંજૂરી મળી ગઈ છે.
સફળ ટ્રાયલ બાદ નિયમિત રીતે જારી થઈ શકે છે નોટો
લોકસભામાં આ અંગેની વિસ્તૃત માહિતી આપતા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે RBIએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934ની જોગવાઈ અંતર્ગત કેન્દ્ર સરકારને પોલિમર નોટોના ટ્રાયલનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પોલિમર બેંક નોટના ટ્રાયલ સફળ થયા પછી RBI 10 અને 20 બંને મૂલ્યની નોટોને નિયમિતપણે જારી કરશે.
પોલિમર નોટોના શું ફાયદા છે?
દેશ માં મોટાભાગની નોટો કોટન આધારિત વિશેષ કાગળ પર છાપવામાં આવે છે. જયારે પોલિમર બેંકનોટ ખાસ પ્રકારના પ્લાસ્ટિક જેવા મજબૂત મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. કાગળમાંથી બનતી ₹10 અને ₹20 જેવી નાની કિંમતની નોટો ભેજ, ધૂળ, ગંદકી અને વારંવાર વપરાશના કારણે ઝડપથી ખરાબ થઈ જાય છે, જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં નવી નોટો છાપવી પડે છે. જયારે પોલિમર નોટોનું આયુષ્ય સામાન્ય કાગળની નોટોની સરખામણીએ વધારે હોઈ શકે છે.
કાગળની નોટો બંધ થશે?
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અત્યારની કાગળની નોટોને બંધ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. તેના બદલે તબક્કાવાર રીતે પોલિમર નોટો ચલણમાં આવશે અને બંને પ્રકારની નોટો સાથે સાથે ચલણમાં રહેશે. પોલિમર નોટો આવ્યા બાદ હાલની કાગળમાંથી બનેલી ₹10 અને ₹20ની નોટો બંધ કરવામાં નહીં આવે. પોલિમર અને કાગળની નોટો બંને એકસાથે ચલણમાં રહી શકે છે. એટલે કે, હાલમાં લોકો પાસે રહેલી ₹10 અને ₹20ની કાગળની નોટો સંપૂર્ણપણે માન્ય રહેશે.
RBIએ જાહેર કર્યું વૈશ્વિક ટેન્ડર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ પ્રિન્ટિંગ કંપનીએ વિશ્વભરની કંપનીઓ પાસેથી Expression of Interest (EOI) મંગાવ્યો છે. ખાસ કરીને આ ટેન્ડર પોલિમર સબસ્ટ્રેટ શીટના ઉત્પાદન અને સપ્લાય માટે જાહેર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ઉત્પાદકોને આધુનિક સુરક્ષા સુવિધાઓ ધરાવતી પોલિમર શીટ સપ્લાય કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ટેન્ડર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો : મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, 190 કિલો સાથે રચ્યો રેકોર્ડ

