પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ UNGA માં પોતાના ભાષણ દરમિયાન ફરીથી કશ્મીરનો રાગ આલાપ્યો છે. સિંધુ જળ સંધીને લઈને પણ ભાષણમાં ઉલ્લેખ કર્યો.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મહાસભાના સ્ટેજ પરથી પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ વર્ષ 2025માં ભારત સાથે થયેલા સંઘર્ષોને લઈ વાત કરી છે. ભારત સાથે યુદ્ધ દરવાજે પહોંચેલા પાકિસ્તાને અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો મધ્યસ્થી કરવા માટે આભાર માન્યો હતો. શાહબાઝ શરીફે હસ્તક્ષેપ શરૂ કરવાનો શ્રેય ડૉનાલ્ડ ટ્રમ્પને આપી ફરી એક વખત અમેરિકાની ચાંપલૂસી કરી છે. ભાષણમાં કશ્મીરનો રાગ પણ ગાયો હતો.
કશ્મીર મુદ્દે નિષ્પક્ષ સમાધાનની આવશ્યકતા: શાહબાઝ શરીફ
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પોતાના 23 મિનિટના ભાષણ દરમિયાન કશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ કે દક્ષિણ એશિયા ફરીથી 2025 જેવી સ્થિતિમાં ન પહોંચે તે માટે કશ્મીર મુદ્દે ન્યાયી અને નિષ્પક્ષ સમાધાન જરૂરી છે. જ્યારે ભારતે માત્ર સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના મંચ પરથી નહિ પરંતુ વારંવાર પાકિસ્તાનના દાવાઓને વખોડતુ આવ્યુ છે. સિંધુ જળ સંધિ પર પણ ભારતે સ્પષ્ટ કર્યુ છે કે જ્યાં સુધી આતંકવાદને પાકિસ્તાન પોતાનું સમર્થન બંધ ન કરે ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે.
ભારત પર આરોપ લગાવતા શાહબાઝે કહ્યુ હતુ કે આઠ-આઠ દશકોથી કશ્મીરના લોકો સંયુક્ત રાષ્ટ્રના વચનો પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યુ છે. ગેરકાનૂની જપ્તી, મનમાની ધરપકડ, હત્યા, યૌન શોષણ, સામૂહિક દંડ જેવી યાતનાઓ કશ્મીરીઓએ ભોગવી છે. પાકિસ્તાન કશ્મીરી જનતાને સંપૂર્ણ સમર્થન આપશે. શાહબાઝે એમ પણ કહ્યુ હતુ કે કશ્મીર હંમેશાથી પાકિસ્તાનની જીવન રેખા રહ્યુ છે.










