28 થી 30 સપ્ટેમ્બર સુધી યુનિયન ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેન્ક કર્મચારીઓની ત્રણ દિવસીય હડતાલ મુલતવી રખાઈ છે. ઈન્ડિયન બેન્ક એસોસિએશન IBA અને યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ વચ્ચે ગઈકાલે બેઠક યોજાઈ હતી. જે બાદ હડતાલ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.આજથી એટલે કે 28 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીયકૃત બેન્કની ત્રણ દિવસીય હડતાલનું આયોજન કરવામાં આવ્યુ હતુ, પરંતુ રવિવારે મોડે-મોડેથી ઈન્ડિયન બેન્ક એસોસિએશન અને યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ વચ્ચે યોજાઈ બેઠકમાં સકારાત્મક ચર્ચા થઈ. આ સકારાત્મક ચર્ચાને લઈ UFBU એ હડતાલ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાષ્ટ્રીયકૃત બેન્કના અકાઉન્ટ હોલ્ડર્સને મોટી રાહત મળશે તેમજ બેન્કનો નાણાકીય વ્યવહાર પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

ઉચ્ચસ્તરીય સમિતિની નિમણૂંક કરવામાં આવશે
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે સપ્તાહમાં પાંચ દિવસ કામકાજનો નિયમ લાગુ કરવાની માંગ સાથે હડતાળનું આયોજન કર્યુ હતુ. હાલમાં બેન્કમાં માત્ર બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે. બેઠકમાં સકારાત્મક પરિણામ આવ્યુ છે. બેઠકના અંતે એ નિષ્કર્ષ આવ્યો છે કે તમામ શનિવારોએ રજા જાહેર કરવા માટે IBA અને UFBU દ્વારા તાત્કાલિક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિ તમામ હિતકારક પાસાઓ ચકાસીને કર્મચારીઓના અને ગ્રાહકોનું પણ હિત સચવાય તે પ્રકારના નિર્ણયો લેશે. પેન્શન સંબંધિત સમસ્યાઓના પણ ઝડપી ઉકેલ માટે બંને પક્ષો તરફથી વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવા પર સંમતિ સધાઈ છે.
હડતાલ રદ્દ થવાથી ગ્રાહકોને ફાયદો
નેશનલાઈઝ્ડ બેન્કની હડતાલના કારણે કરોડો ગ્રાહકોને ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી હતી, જેના કારણે રવિવારે પણ બેન્કિંગ વ્યવહારો ચાલુ રહે તે માટે 27 સપ્ટેમ્બરે બેન્ક ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ હડતાલ મુલતવી રખાતા હવે ગ્રાહકોને નિરાંત થઈ છે. કેશ ડિપોઝિટ, વિડ્રોઅલ, ચેક ક્લિયરિંગ, જેવા તમામ મહત્વપૂર્ણ કામ ઠપ્પ થવાની આશંકા હતી, જો કે હડતાલ મોકુફ રહેતા, આ સમસ્યાઓનો ભય દૂર થયો છે અને બેન્ક નિયત સમય પ્રમાણે કાર્યરત રહેશે.












