Supreme Court on Green Firecrackers: સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં ફટાકડા ફોડવા અંગે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગ્રીન ફટાકડા ફોડવા અને વેચવા અંગે શરતી મંજૂરી આપી છે. દિવાળીના પર્વ પર 7 અને 8 નવેમ્બરે એમ બે દિવસ ફટાકડા ફોડી શકાશે. 9 નવેમ્બરથી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગ્રીમ ફટાક઼ડા ફોડવા માટે જ પરવાનગી આપી છે. આ માટે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સવારે 6 થી 7 વાગ્યા સુધી અને રાતે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, શાળાઓ આસપાસ પ્રતિબંધ યથાવત
જસ્ટિસ એમ.એમ.સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી.વરાલેની બેન્ચે ફટાકડા ફોડવા અંગે સુનાવણી હાથ ધરી હતી. બંને જસ્ટિસની બેન્ચે સ્પષ્ટ કર્યુ છે કે હોસ્પિટલ, વૃદ્ધાશ્રમો, નર્સિંગ હોમ, પ્રાથમિક અને જિલ્લા આરોગ્ય કેન્દ્રો અને નક્કી કરાયેલા સાયલન્ટ ઝોનના 300 મીટર વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહી. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ પણ આ રોક યથાવત રહેશે. જેથી બિમાર લોકો, બાળકો અને વૃદ્ધો પર કોઈ ગંભીર અસર ન પડે.
લાયસન્સ ધારકોને જ વેચાણ માટેની છૂટ
સુપ્રીમ કોર્ટે ફટાકડાના વેપારીઓને પણ દિવાળી પર્વને લઈ મોટી રાહત આપી છે. વેપારીઓના લાયસન્સ પર લગાવેલી રોકને અસ્થાયી રૂપે હટાવીને 6 નવેમ્બર સુધી ગ્રીન ફટાકડાના વેચાણની મંજૂરી આપી દીધી છે. માત્ર CSIR-NEERI અને PESO દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ફટાકડા જ બનાવી અને વેચી શકાશે. ફટાકડાના બોક્સ સીલ હોવા જોઈએ અને તેના પર QR કોડ હોવો ફરજિયાત છે, જેને સ્કેન કરીને ઉત્પાદક અને લાઇસન્સની માહિતી મેળવી શકાશે. ફટાકડાની સર અને બેરિયમ યુક્ત ફટાકડા પર સંપૂર્ણ મનાઈ રહેશે.
બહારથી આવતા ગેરકાયદે ફટાકડા માટે બોર્ડર પર ચેકીંગ
દિલ્હી-NCR માં સરકાર ચોક્કસ જગ્યાઓ નક્કી કરશે અને માત્ર ત્યાં જ વેચાણ થઈ શકશે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. જો કોઈ દુકાનદાર નિયમોનો ભંગ કરશે તો તાત્કાલિક તેનું લાયસન્સ રદ્દ કરી દેવાશે. બહારથી આવતા ગેરકાયદે અને સામાન્ય ફટાકડાની સપ્લાય રોકવા બોર્ડર પર વાહનોનું ચેકિંગ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સતત નજર રાખવા સૂચના
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હવાની ગુણવત્તા પર સતત નજર રાખવા આદેશ આપ્યો છે. દિવાળી પહેલા અને દિવાળી પછી પ્રદૂષણ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. હોસ્પિટલમાં પ્રદૂષણને કારણે વધતા દર્દીઓનો ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. 14 ડિસેમ્બર સુધીમાં કોર્ટમાં આ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.












