Jharkhand Rape Case: ઝારખંડના સરાયકેલા-ખરસાવા જિલ્લાના ગમરિયા પોલીસ સ્ટેશનમાં સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષીય યુવતી સાથે પોલીસ સ્ટેશનમાં જ દુષ્કર્મનો કિસ્સો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહીઓ શરૂ કરી દીધી છે. ગમરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિત કુલ 15 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ આરોપી પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
પીડિતા પતિના ડરથી પોલીસ સ્ટેશન પહોંચી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર, 29 ઓક્ટોબરે પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે પતિ સાથે સાંજે ઝઘડો થયા બાદ મારઝૂડના ડરે ઘરની બહાર નીકળી ગઈ હતી મહિલા અને સંબંધીના ઘરે જઈને પોલીસનો સંપર્ક કર્યો હતો, પીસીઆર વાનમાં મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેને આરામ કરવા માટે પોલીસ સ્ટેશનમાં જ રૂમ આપવામાં આવ્યો હતો, મહિલા રાતે ત્યાં જ રોકાઈ હોવાથી વાયરલેસ ઓપરેટર 11 વાગ્યા આસપાસ રૂમમાં ઘુસ્યો હતો અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમિયાન પીડિતાએ મદદ માટે બૂમો પાડવા છતાં પણ કોઈ મદદે આવ્યા ન હતા.
પોલીસ અધિક્ષકે SIT ની નિમણુંક કરી તપાસ શરૂ કરી
જઘન્ય કૃત્યને ધ્યાનમાં રાખીને સરાયકેલા-ખરસાવાના પોલીસ અધિક્ષક મનોજ સ્વર્ગિયારીએ ઘટનાના બીજા જ દિવસે SIT ની રચના કરી હતી. SIT ની ટીમે ત્વરિત એક્શન લઈ તપાસ કરી હતી અને અહેવાલ સોંપી દીધો હતો. SIT તપાસના આધારે સબ ઈન્સ્પેક્ટર મનોજ સાહુ અને કોન્સ્ટેબલ સંતોષ રાયને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે તમામ આરોપીઓને સસ્પેન્ડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
દુષ્કર્મ મુદ્દે રાજકારણ ગરમાયુ
પોલીસ સ્ટેશનમાં જ આ સનસનાટી મચાવનાર કૃત્યના કારણે રાજકારણ પણ ગરમાયુ છે. પૂર્વ મંત્રી અને કોડરમાથી ભાજપના ધારાસભ્ય નીરા યાદવે આ મામલે હેમંત સોરેન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે આ માત્ર મહિલા વિરુદ્ધનો અપરાધ નથી પરંતુ સમગ્ર પોલીસ વ્યવસ્થા અને રાજ્ય સરકારની જવાબદારી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભાજપે પીડિતાને વહેલી તકે ન્યાય મળે તે માટે કાયદો વ્યવસ્થામાં જરૂરી સુધારો લાવવાની માંગ કરી છે.












