એક જ સપ્તાહમાં બીજુ ચક્રવાત, તોફાની પવન સાથે ‘મુરાસુ’ લાવશે ભારે વરસાદ

Cyclone Murasu Alert: બંગાળની ખાડીમાં એક જ સપ્તાહમાં બે ચક્રવાતોએ હાહાકાર મચાવ્યો છે. પહેલા અર્નબ અને હવે મુરાસુ નામના બંને વાવાઝોડા આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઉત્તર પૂર્વોના રાજ્યોની હાલત ખરાબ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુરાસુ આંધ્રપ્રદેશના દરિયાકિનારે એંગોલ અને નેલ્લોર અને નરસાપુર વચ્ચે ટકરાયુ છે. આ સમયે તેની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું અનુમાન કરવામાં આવ્યુ છે.

ઝાપટા સાથે ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં 28 ઓક્ટોબરે ચક્રવાત અર્નબે તટીય વિસ્તારો અને દક્ષિણ-પૂર્વ ભારતમાં ભારે તબાહી મચાવી છે. ઓરિસ્સાના ગંજમ અને ગજપતિ જિલ્લામાં તો છેલ્લા એક સપ્તાહથી પૂર જેવી સ્થિતિ છે. નવા તોફાનના કારણે ઝાપટા સાથે ભારે વરસાદથી ફરીથી પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે. જોખમને ધ્યાને રાખીને ઓરિસ્સા સરકારે નીચાણવાળા વિસ્તારો અને પહાડી વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

ભારે પવન સાથે વરસાદનું રેડ એલર્ટ

આંધ્રપ્રદેશમાં આજે આંધી-વરસાદનું રેડ એલર્ટ છે. રાયલસીમામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, પુડુચેરી, તેલંગણા, ઓરિસ્સા, છત્તીસગઢ, અરૂણાચલ પ્રદેશમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 100 કિલોમીટર સુધી આંધી સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. બિહારમાં પણ 11 જિલ્લાઓમાં મેઘગર્જના અને વિજળી પડવા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સતર્કતાના ભાગરૂપે શાળા-કોલેજમાં રજા

વાવાઝોડા મુરાસુના ખતરાને ધ્યાનમાં રાખીને ચેન્નાઈમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને રાહત તથા બચાવ કામગીરી માટે તૈયારીઓ તેજ કરી દીધી છે.

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની આગાહી

દેશના વિવિધ ભાગોમાં હવામાનની અલગ અલગ પરિસ્થિતિઓ છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરાખંડના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. યાત્રાધામ કેદારનાથમાં તાપમાન માઈનસ 8 ડિગ્રી પહોંચ્યુ છે. ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment