વિદેશમંત્રી એસ.જયશંકરનો અમેરિકા પર આતંકવાદ મુદ્દે ઢીલી નીતિનો આરોપ

Indian Foreign Minister remarks : ન્યૂયોર્કમાં વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકા અને આતંકવાદ પર મોટું નિવેદન આપ્યુ છે. નામ  લીધા વગર તેમણે કહ્યુ કે, “સહયોગી દેશો આતંકવાદને ગંભીરતાથી નહી લે તો સંબંધો પર અસર પડશે.” તેમણે અમેરિકા-ભારતના વેપારી સંબંધો અંગે પણ વાત કરી હતી.  “ભારત-અમેરિકા સંબંધોમાં વેપારની જટિલતાઓ અને સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ પડકારરૂપ છે.”

ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોથી મજબૂત બન્યા છે. બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ, ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રે સહયોગ વધી રહ્યો છે. કેટલાક મુદ્દાઓ એવા છે જેના પર અપેક્ષા મુજબનો વિશ્વાસ અને ઉષ્માભર્યા સંબંધો જોવા મળતા નથી. ન્યૂયોર્કમાં એશિયા સોસાયટીના કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું કે, “વેપાર સાથે જોડાયેલી જટિલતાઓ ઉપરાંત સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માટે એક પડકાર છે. આતંકવાદને લઈને ભારતની ચિંતાને અમેરિકા યોગ્ય રીતે સમજતું નથી. તેની અસર સંબંધો પર પડે છે.” તેમણે કહ્યું કે “ભારત દાયકાઓથી પાકિસ્તાન તરફથી થતા આતંકવાદનો સામનો કરી રહ્યું છે.” જયશંકરે આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી છે. બીજી તરફ, વેપાર, ટેરિફ અને રશિયા પાસેથી ભારતની ઊર્જા ખરીદીને લઈને ભારત-અમેરિકા વચ્ચે મતભેદો પણ રહ્યા છે. દુનિયાના ઘણા દેશો માટે અમેરિકા સાથેના સંબંધો અગાઉની સરખામણીએ વધુ મુશ્કેલ બન્યા છે. તેમણે કહ્યું, કદાચ આ આપણા માટે રાહતની વાત ન હોય, પરંતુ આ જ હકીકત છે.

ટ્રમ્પના કાર્યકાળમાં પાકિસ્તાન સાથે વધી નિકટતા

અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકાએ પાકિસ્તાન સાથે નિકટતા વધારી છે. જૂન 2025 અને સપ્ટેમ્બર 2025માં પાકિસ્તાનના અસીમ મુનીર, શાહબાઝ શરીફ અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બે વખત વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ. આ બેઠકોને બંને દેશો વચ્ચે વધી રહેલા સંપર્કોના રૂપમાં જોવામાં આવે છે.

ભારત અને ચીન અંગે પણ એસ.જયશંકરે આપ્યુ નિવેદન

વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારત-ચીનના સંબંધો અંગે પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે છેલ્લા વર્ષમાં ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવ્યો છે. વર્ષ 2020માં સરહદે તણાવ બાદ બંને દેશોના સંબંધોમાં પણ તણાવ આવ્યો હતો પરંતુ તે બાદ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે. અને એસ.જયશંકરે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે સરહદે જેવી પરિસ્થિતિ હશે, તેવી જ સ્થિતિ બંને દેશોના સંબંધોમાં પણ રહેશે. સંબંધ સુધારનો અર્થ એ પણ નથી કે બંને દેશો વચ્ચે તમામ સમસ્યાઓનો અંત આવી ગયો છે. દુનિયામાં ઘણા દેશો શક્તિશાળી બની રહ્યા છે અને વૈશ્વિક નિર્ણયોમાં તેમની ભૂમિકા વધી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment