Super Heavy Transport Vehicle : ઉત્તર ભારતમાં છેલ્લા ઘણાં દિવસોથી 308 પૈડાંનો ટ્રક લોકોમાં આશ્ચર્યનું કેન્દ્ર બન્યો છે. 308 પૈડાં ધરાવતો આ બાહુબલી ટ્રક બેલ્જિયમથી ઓરિસ્સાના પારાદીપ બંદરે પહોંચ્યો છે અને હાલમાં ઉત્તર ભારતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 200 ટન વજનનું ઈન્ડસ્ટ્રીયલ વેક્યુમ બોઈલર સાથે ટ્રક ઉત્તર ભારતમાં ભ્રમણ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં આવેલ બલરામપુર સુગર મિલમાં જઈ રહ્યુ છે. આ બોઈલરથી એશિયાનો પ્રથમ બાયોપ્લાસ્ટિક પ્લાન્ટ બનશે. રસ્તામાં આવતા પુલ અને વીજળીના તાર હટાવીને આગળ વધી રહ્યુ છે ટ્રક. સુરક્ષિત સફર માટે માર્ગમાં આવતા પોલીસ સ્ટેશન તૈનાત થઈ ગયા છે.
308 ટાયરનો ટ્રક જ શા માટે ?
ઓરિસ્સાના પારાદીપ પોર્ટથી ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી સુધી એક હેવી ઈન્ડસ્ટ્રીયલ વેક્યુમ બોઈલર લાવવામાં આવી રહ્યુ છે. આ વેક્યુમનું વજન 200 ટન છે અને તેને કોઈ સામાન્ય ટ્રક દ્વારા નહી પરંતુ 308 પૈડાં વાળા મલ્ટિ એક્સેલ હાઈડ્રોલિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ટ્રક પર લાવવામાં આવી રહ્યુ છે. તેને આવા ટ્રક પર લાવવામાં આવી રહ્યુ છે તેનું કારણ તેના 308 પૈડાં નહી, પરંતુ એક એન્જિનિયરીંગ ટેક્નોલોજી છે. આ વોલ્વો કંપનીનું સૌથી શક્તિશાળી મલ્ટિ એક્સેલ મોડ્યુલર હાઈડ્રોલિક ટ્રેલર છે. તેના એક્સેલમાં વજન અને હાઈડ્રોલિક સસ્પેન્શનના કારણે સંતુલન જળવાઈ રહે અને આટલા મોટા વેક્યુમ બોઈલરને રસ્તા પર નિયંત્રણ દ્વારા લઈ જઈ શકાય તેવી ટેક્નોલોજી છે. જો 200 ટન જેટલુ વજન થોડા પૈડાં પર જ મુકવામાં આવે તો રસ્તા અને પુલ તૂટવાનો ભય રહે છે. ભારત સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના નિયમ પ્રમાણે આ ટ્રેલરમાં એક એક્સલ પર 18 ટનથી વધુ વજન ન હોવુ જોઈએ. 200 ટન વજનને સમાન રીતે વહેંચવા માટે આ ટ્રકમાં ઘણા બધા એક્સેલ લગાવવામાં આવેલા છે. તેના દરેક એક્સેલમાં ઓછામાં ઓછા 4 પૈડાં છે જેના કારણે તેમાં 308 પૈડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૈડાં હાઈડ્રોલિક સસ્પેન્શન સિસ્ટમ દ્વારા વજનને બેલેન્સ કરે છે.

કેવી રીતે અને કેટલા ભાગમાં બનેલો છે ટ્રક ?
સામાન્ય રીતે ભારે ભરખમ ટ્રકને એક જ બૉડીવાળો ટ્રક સમજવાની ભૂલ ન કરવી જોઈએ. આવા હેવી વેઈટ મૉડ્યુલર ટ્રાન્સપોર્ટ સિસ્ટમના વિવિધ હિસ્સા હોય છે. જેમ કે
- પાવર રૉ યુનિટ – તે ટ્રકને આગળ ખેંચવામાં મદદ કરે છે. સૌથી મહત્વનો છે મોડ્યુલર એક્સલ યુનિટ, જે મહાટ્રકનો મોટો હિસ્સો છે, જેમાં ઘણાં એક્સેલ અને ઘણા બધા પૈડાં હોય છે.
- હાઈડ્રોલિક સિસ્ટમ – જે લોડની નીચે પ્લેટફોર્મની ઉંચાઈ અને સસ્પેન્શનને કંટ્રોલ કરવાનું કામ કરે છે.
- લોડિંગ પ્લેટફોર્મ ડેક – જેની ઉપર હેવી વોલ્યુમ ઈક્વિપ્મેન્ટ્સ રાખવામાં આવે છે.
- સ્ટિયરિંગ સિસ્ટમ – આટલા મોટા અને લાંબા વાહનને ચલાવવુ એ પણ એક કળા જેવુ છે.
- બ્રેક અને કંટ્રોલ સિસ્ટમ – આટલા ભારે ભરખમ લોડને ધીમે-ધીમે આગળ ધપાવવા માટે બ્રેક અને નિયંત્રણની વ્યવસ્થા છે.
ટ્રેન કે જહાજ નહી પરંતુ ટ્રકનો જ ઉપયોગ શા માટે ?
200 ટન જેટલા તોતિંગ વેક્યુમ બોઈલરને લઈ જવા માટે સીધી રીતે કોઈ રેલવે લાઈન કે અન્ય કોઈ વિકલ્પ નથી, તદુપરાંત ભારત સરકાર દ્વારા મોટા આકારના ઓવર-ડાયમેન્શનલ કાર્ગોને રસ્તા પરથી લઈ જવાની મંજૂરી આપવામાં આવે છે. તેથી આ વેક્યુમ બોઈલરને બાહુબલી ટ્રક દ્વારા લઈ જવામાં આવી રહ્યો છે. વળી મશીન એટલુ મોટુ છે કે તેને ટ્રેનમાં ફીટ કરી શકાય તેમ પણ નથી.
ટ્રકને પસાર કરવા માટે દરેક ક્ષણે અને સ્થળે ભારે જહેમતનું કામ
બાહુબલી ટ્રકની સફર ખૂબ પડકારજનક રહી છે. ટ્રક સાથે 60થી વધુ એન્જિનિયર્સની ટીમ, કામદારોની-સહાયકોની ટીમ, 2 મોટી ક્રેન અને 2 ખેંચવા વાળા ટ્રેલર ચાલી રહ્યા છે. આટલા હેવી વેઈટ સાથે ટ્રક એક દિવસમાં માત્ર 15 થી 20 કિલોમીટર જેટલુ જ અંતર કાપી શકે છે. રસ્તામાં આવતા અવરોધો જેવા કે વીજળીના તાર અને પુલને હટાવવા પડે છે. હાલમાં ટ્રક વારાસણસી પાસે છે અને વારાણસીના દાફી ટોલ પ્લાઝા પાસે રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. NH-19 પર ત્રણ ફૂટ ઓવરબ્રિજના ભાગને ક્રેન દ્વારા દૂર કરવામાં આવ્યા ત્યાર બાદ ટ્રક સલામત રીતે પસાર થઈ શક્યો. વળી, ટ્રક દરરોજ 200 લિટર ડિઝલ વાપરે છે. અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયાનું ડિઝલ ખાઈ ગયો છે આ ટ્રક. આખા ઓપરેશનનો અંદાજિત ખર્ચ 15 કરોડ રૂપિયા સુધીનો માનવામાં આવી રહ્યો છે. 1400 કિલોમીટર લાંબી આ યાત્રા ભારતના ‘હેવી-હોલ એન્જિનિયરિંગ’નો એક ઉત્તમ પુરાવો છે. આ કામ JM Baxi ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેઓ આવા મોટા ઓપરેશનના નિષ્ણાત છે. 6 મહિના પછી પણ આ મશીન હજુ રસ્તામાં જ છે. એવું માનવામાં આવે છે કે તે નવરાત્રિ પહેલા તેના ગંતવ્ય સ્થાને પહોંચી જશે. જે પણ શહેરમાંથી આ ટ્રક પસાર થાય છે, ત્યાં લોકોની ભીડ જમા થઈ જાય છે.












