ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈ દેશવ્યાપી હિંસક આંદોલનો

France student protest: ફ્રાન્સમાં શાળાઓની જર્જરિત સ્થિતિ, શિક્ષકોની અછત અને વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની વધતી સંખ્યા સામે શરૂ થયેલું વિદ્યાર્થીઓનું આંદોલન હવે દેશવ્યાપી વિરોધમાં ફેરવાયું છે. પેરિસ, માર્સેઈ સહિત અનેક શહેરોમાં આગચંપી, તોડફોડ અને પોલીસ સાથે અથડામણ થઈ છે. અત્યાર સુધીમાં 440થી વધુ લોકોની અટકાયત કરાઈ છે

સરકારના 5.4 લાખ કરોડ રૂપિયાના ખર્ચકાપના પ્રસ્તાવ સામે વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રના કામદારો રસ્તા પર ઉતરતાં અનેક શહેરોમાં તંગદિલી સર્જાઈ છે. કેટલાક સ્થળોએ વિરોધ દરમિયાન આગચંપી, તોડફોડ અને પોલીસ સાથે અથડામણની ઘટનાઓ પણ બની છે. દેશભરમાં 400થી વધુ હાઈસ્કૂલ અને અનેક યુનિવર્સિટી કેમ્પસ બંધ રહ્યા અથવા શિક્ષણ કાર્ય ખોરવાયું છે. અત્યાર સુધીમાં 440થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મોટાભાગના સગીર છે. વિરોધ દરમિયાન પોલીસકર્મીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

પેરિસ આસપાસના વિસ્તારોમાંથી શરૂ થયેલું આંદોલન લિલ, લિયોન, નાંતે, માર્સેઈ, બોર્ડો, રેન, તુલૂઝ અને સ્ટ્રાસબર્ગ જેવા શહેરો સુધી પહોંચ્યું છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ શાળાના પ્રવેશદ્વાર સામે કચરાના ડબ્બા, લાકડાં અને ધાતુની વાડ ગોઠવીને વર્ગો અટકાવતા હતા. બાદમાં કેટલાક સ્થળોએ સ્થિતિ વધુ ઉગ્ર બની. માર્સેઈમાં લિસે સેન્ટ-એક્ઝ્યુપેરી નજીક વિરોધીઓએ રસ્તા પર આગ લગાવી હતી. આગ બુઝાવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીને કેટલાક લોકોએ આગ ચાંપી દીધી હતી. અન્ય એક શાળામાં આગચંપીના પ્રયાસ દરમિયાન પેટ્રોલ શાળાના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ પણ દાઝ્યા હતા.

વિદ્યાર્થીઓનો મુખ્ય રોષ માત્ર બજેટ સામે નથી. અનેક વર્ગખંડોમાં 34થી 38 અથવા તેનાથી વધુ વિદ્યાર્થીઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અન્ય વિષયોના વર્ગો લાંબા સમય સુધી નિયમિત રીતે ચાલી શકતા નથી. આ ઉપરાંત જૂની શાળાઓમાં ગરમી સામે પૂરતી વ્યવસ્થા ન હોવાનો મુદ્દો પણ ઉઠ્યો છે. વિદ્યાર્થીઓ પોલીસની કાર્યવાહી સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment