સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ માતૃભૂમિ પરવાનગી ન મળવાને કારણે અભેરાઈ પર ચઢી ગઈ હતી, પરંતુ હવે ફિલ્મ પરથી સંકટના વાદળો હટી ગયા છે. અત્યાર સુધી ફિલ્મને ક્લિયરન્સ ન મળવાને કારણે રીલિઝ અંગે અસમંજસ છવાયેલુ હતુ.
દબંગ ખાન સલમાન ખાન ફરી એક વખત વૉર ડ્રામા લઈને આવી રહ્યો છે. ફિલ્મ માતૃભૂમિને લઈને એક રાહત આપનારી ખબર સામે આવી છે. લાંબા સમયથી આવી રહેલી અડચણો વચ્ચે સલમાન ખાનની આ ફિલ્મને ક્લિયરન્સ મળી ગયુ છે. સરકારે ફિલ્મને થિયેટરોમાં રજૂ કરવાની પરવાનગી આપી દીધી છે. દેશ ભક્તિના ઉત્સાહથી ભરપૂર આ ફિલ્મ માતૃભૂમિ સિનેમાઘરોમાં ક્યારે રીલિઝ થાય છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
શરૂઆતમાં ફિલ્મનું નામ “બેટલ ઓફ ગલવાન” રાખવામાં આવ્યુ હતુ, પરંતુ આ ફિલ્મને લઈ ભારે વિવાદ અને ઉહાપોહ મચ્યો હતો, જેના કારણે આ વર્ષના શરૂઆતમાં ફિલ્મનું નામ બદલીને માતૃભૂમિ કરી દેવામાં આવ્યુ હતુ. આ ફિલ્મ વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણને લઈને છે.
વર્ષ 2020માં ભારત-ચીન વચ્ચેની ગલવાન ઘાટીમાં સંઘર્ષ થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ભારત-ચીનના સંબંધોમાં સુધારો આવી રહ્યો છે અને આ ફિલ્મમાં ચીનના પણ કેટલાક દ્રશ્યો હતા, જેને લઈને ભારત સરકારે કેટલાક સીન્સ પર નારાજગી વ્યક્ત કરી હતી અને આ સિન્સ પર કાતર ફેરવવાનું સૂચન કર્યુ હતુ. આ બાદ મેકર્સે જરૂરી કટ્સ અને એડિટ્સ કરી દીધા હતા અને મેકર્સ તરફથી રજૂ થયેલા નવા વર્ઝન બાદ સરકારે ફિલ્મને રીલિઝ કરવા પર મંજૂરીની મહોર મારી દીધી છે. સલમાન ખાન ફિલ્મને 13 નવેમ્બરે રીલિઝ કરવાના મૂડમાં છે. કારણ કે દિવાળી બાદનો સમય ફિલ્મો માટે કમાણીનો શ્રેષ્ઠ સમય હોય છે. જો સલમાન ખાન 13 નવેમ્બરે આ ફિલ્મ રીલિઝ કરે છે તો દિવાળી પહેલા રીલિઝ થયેલ રામાયણ સાથે ટક્કર થશે. તેમ છતાં હજુ પણ ફિલ્મની રીલિઝ અંગે તારીખો જાહેર કરવામાં આવી નથી.













