Heroic act by Smita Machhar: ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની તેમની બહાદુરી માટે સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત પર તેમના કો-પાઇલટે હુમલો કર્યો હતો. પરંતુ કેપ્ટન સ્મિતે પોતાની સમજદારી અને હિંમત બતાવીને ફ્લાઇટને ક્રેશ થતાં બચાવી હતી. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ભારતીય મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી હતી અને ઈઝરાયેલના સ્વાતંત્ર્ય દિવસ પર આમંત્રણ પણ આપ્યુ છે.
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી હતી, તે દરમિયાન નેતન્યાહુએ જણાવ્યુ હતુ કે અત્યંત વિક્ષમ સ્થિતિમાં પણ કેપ્ટન સ્મિતે દાખવેલા સાહસ અને સંયમથી હું અચંબિત છું. આટલા બધા લોકોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને સ્વતંત્રતા દિવસ પર આમંત્રણ પણ આપ્યુ છે. નેતન્યાહુએ કેપ્ટન સ્મિત મચ્છરના પ્રયાસોને જોતા તેમને હીરો ગણાવ્યા હતા અને કો-પાયલટના બદમાશ ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધા હતા.
ઇઝરાયલી મૂળના એક સિંગરે કેપ્ટન સ્મિતને સમર્પિત ગીત ગાયું છે. આ ગીત ઇન્સ્ટાથી લઈને ફેસબુક અને X પર વાઇરલ થઈ રહ્યું છે. ઇઝરાયલી મૂળના ગાયક ઇતાય બેન ડેવિડે ‘તુજ મેં રબ દિખતા હૈ’ ગીત ગાયું છે. ઇતાય બેન ડેવિડે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કહ્યું કે તેઓ હિન્દી બોલી શકતા નથી. પરંતુ તેઓ બહાદુર પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરને દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં 180 લોકોના જીવ બચાવવા બદલ એક હિન્દી ગીત સમર્પિત કરી રહ્યા છે. ઇઝરાયલી મૂળના સિંગરે 2008માં આવેલી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’નું ગીત ‘તુ હી તો જન્નત મેરી, તુ હી મેરા જુનૂન’ ગાયું. ઇઝરાયલી ગાયકનું આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.
Hebrew અને Hindi માં લખાયું ‘Thank you, Hero’
ઈઝરાયેલના અદ હાલોમ જંકશન ખાતે ફ્લાયદુબઈ પ્લેન અકસ્માત ટાળી 180 લોકોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં એક વિશાળ બિલબોર્ડ લગાવવામાં આવ્યું છે! બિલબોર્ડ પર કેપ્ટન સ્મિતની તસવીર સાથે હિબ્રૂ અને હિન્દી ભાષામાં “થૅન્ક યુ, હિરો” લખીને તેમની અદમ્ય વીરતાને બિરદાવવામાં આવી છે. મોટી વિમાન દુર્ઘટના રોકનાર આ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સપૂતની બહાદુરીની આજે સમગ્ર વિશ્વમાં સરાહના થઈ રહી છે.

30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. આ દરમિયાન ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમામીએ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડી વડે કોકપિટમાં હુમલો કર્યો હતો અને વિમાનને પોતાના કબજામાં લઈને તેને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય કેપ્ટન ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા. બાદમાં ક્રૂના સભ્યો અને કેટલાક મુસાફરો અંદર પહોંચી શક્યા. બધાએ મળીને હુમલાખોરને કાબૂમાં લીધો અને વિમાનનું નિયંત્રણ ફરીથી સ્થાપિત કર્યું. ત્યારબાદ નિયંત્રણમાં આવ્યા પછી વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને વિમાનમાં સવાર તમામ 180 મુસાફરો સુરક્ષિત બચી ગયા.










