મેડિસિન નોબલ પુરસ્કારની જાહેરાત, મગજની ગતિવિધિઓ પર રિસર્ચ કરનારને મેડલ

Optogenetics research: 2026 ના મેડિસિન નોબલ પ્રાઈસની જાહેરાત થઈ છે. 2026નું મેડિસિન નોબેલ જર્મનીના પીટર હેગેમાન અને જ્યોર્જ નાગેલ તથા અમેરિકાના કાર્લ ડાઇસેરોથને એનાયત કરવામાં આવ્યું છે. આ વૈજ્ઞાનિકોએ ઓપ્ટોજેનેટિક્સ નામની એવી તકનીક વિકસાવવામાં મદદ કરી, જેના દ્વારા પ્રકાશની મદદથી મગજની અલગ-અલગ ચેતા કોષોને નિયંત્રિત કરીને તેમની કામગીરી સમજી શકાય છે.

કાર્લ ડાઇસેરોથ: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બાયોએન્જિનિયરિંગ અને મનોચિકિત્સાના પ્રોફેસર છે. તેમણે પોતાની ટીમ સાથે એવી અત્યંત પાતળી ઓપ્ટિકલ ફાઇબર વિકસાવી, જેની મદદથી મગજની ચેતાકોષોને સક્રિય કરી શકાય છે. પ્રથમ વખત તેના દ્વારા ચોક્કસ પ્રકારના વર્તનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.

પીટર હેગેમાન: બર્લિનની હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં પ્રાયોગિક બાયોફિઝિક્સના પ્રોફેસર છે. તેમણે એવું પ્રોટીન શોધ્યું, જે પ્રકાશને વિદ્યુત સંકેતમાં બદલી શકે છે.

જ્યોર્જ નાગેલ: જર્મનીની વુર્ઝબર્ગ યુનિવર્સિટીમાં વનસ્પતિ શરીર વિજ્ઞાનના પ્રોફેસર છે. તેમણે હેગેમાન સાથે મળીને શોધ્યું કે આ પ્રોટીનમાં પ્રકાશથી નિયંત્રિત આયન ચેનલ હોય છે. પ્રકાશ પડતાં આ ચેનલ વિદ્યુત સંકેત ઉત્પન્ન કરે છે. નોબેલ સમિતિના સભ્ય એલ મનિરાએ તેને તે ‘સ્વિચ’ ગણાવ્યું, જેની મદદથી વૈજ્ઞાનિકો આ પ્રોટીનને સક્રિય કરી શકે છે.

નોબેલ સમિતિ અનુસાર, આ ત્રણેય વૈજ્ઞાનિકોની શોધે મગજને સમજવા માટે સંશોધનનો એક નવો માર્ગ ખોલ્યો છે. આ તકનીકનો ઉપયોગ આંખોની બીમારીઓ પર પણ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે તેની મદદથી દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા લોકોની આંખોની રોશની પાછી લાવી શકાય છે કે નહીં.

અગાઉ વૈજ્ઞાનિકો માટે એ જાણવું મુશ્કેલ હતું કે મગજની કઈ ચેતા કોષ કયા કાર્ય માટે જવાબદાર છે. ઓપ્ટોજેનેટિક્સની મદદથી હવે વૈજ્ઞાનિકો યાદશક્તિ, લાગણીઓ અને વર્તનને વધુ સારી રીતે સમજી રહ્યા છે. તેનાથી ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ અને મગજ સાથે સંબંધિત અન્ય બીમારીઓ પર સંશોધન કરવું પણ સરળ બન્યું છે.

વૈજ્ઞાનિકો દ્વારા આ શોધની શરૂઆત ખૂબ જ નાના શેવાળથી થઈ હતી. તે એટલુ નાનુ હોય છે કે તેને માઈક્રોસ્કોપ સિવાય જોવુ અતિમુશ્કેલ હોય છે. વૈજ્ઞાનિક પીટર હેગેમાન કુતુહલતા વશ એ સમજવા ચાહતા હતા કે ક્લેમાઈડોનોમસ નામનુ આટલુ નાનુ શેવાળ પ્રકાશ તરફ કઈ રીતે આગળ વધે છે. રિસર્ચ દરમિયાન હેગેમાન અને જ્યોર્જ નાગેલને એક ખાસ પ્રકારનું પ્રોટિન મળ્યુ હતુ, જેનું નામ ચેનલરોડૉપ્સિન રાખવામાં આવ્યુ છે. આ પ્રોટીન પ્રકાશને અનુભવતું હતું. તેના પર વાદળી પ્રકાશ પડતાં તેમાં એક માર્ગ ખુલી જતો હતો અને કોષની અંદર ઇલેક્ટ્રિક સિગ્નલ બનવા લાગતો હતો. વૈજ્ઞાનિકોએ આ પ્રોટીનને અન્ય કોષોમાં દાખલ કરીને તપાસ્યું. તે કોષો પણ પ્રકાશ તરફ વળવા લાગ્યા. ત્યારબાદ અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ ડાઇસેરોથે આ જ પદ્ધતિ મગજની કોષિકાઓ પર અજમાવી અને ન્યુરોન્સમાં ચેનલરોડોપ્સિન બનાવનાર જિન પહોંચાડ્યું. હવે વાદળી પ્રકાશ પાડીને આ કોષિકાઓને સક્રિય કરી શકાય તેમ હતું.

ગત વર્ષે શરીરની ઈમ્યુન સિસ્ટમને નિયંત્રિત કરતી પદ્ધતિની શોધ કરવા બદલ મેરી ઈ.બ્રેકો, ફ્રેડ રામ્સડેલ, શિમોન સાકાગુચીને નોબલ પ્રાઈસ મળ્યુ હતુ.

નોબલ પુરસ્કાર વિશ્વના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. આ પુરસ્કાર પોતાના ક્ષેત્રમાં મોટુ અથવા મહત્વપૂર્ણ કામ કર્યુ હોય તેમને આપવામાં આવે છે. મેડિસિન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, અર્થતંત્ર, સાહિત્ય અને શાંતિ જેવા ક્ષેત્રોમાં પુરસ્કાર આપવામાં આવે છે. નોબલ પુરસ્કાર જીતનારને ચંદ્રક, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમ મળે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment