નાઈજીરિયામાં પ્લેન ક્રેશમાં 32 ના મોત, દેશ શોકમગ્ન

Nigeria aviation accident: આફ્રિકન દેશ નાઈજીરિયામાં હચમચાવી દેતી પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે, જેમાં પ્લેનમાં સવાર તમામ 32 ના મોત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. પ્લેનમાં 25 મસાફરો અને 7 ક્રુ મેમ્બર્સ સવાર હતા. નાઈજીરિયાના દક્ષિણ વિસ્તારમાં આવેલા ઓન્ડો રાજ્યમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયુ હતુ. પ્રાથમિક તપાસમાં એવા ખુલાસા થઈ રહ્યા છે કે પ્લેન અનિયંત્રિત થઈ ગયુ હતુ અને બાદમાં ક્રેશ થયુ હતુ.

બેનિન સિટીથી લાગોસ માટે ઉડાન ભરી હતી

નાઈજીરિયામાં વાયુસેનાનું ATR-42 નામનું પ્લેન 25 મુસાફરો અને 7 ક્રુ મેમ્બર્સ સાથે જઈ રહ્યુ હતુ. પ્લેન બેનિન સિટીથી લાગોસ તરફ નિયમિત મિશન દરમિયાન ઉડાન ભરી હતી. પ્લેન માટે આ એક રોજિંદી સફર જ હતી, ના કોઈ વિશેષ ઈમરજન્સી કે ના તો કોઈ ઓપરેશનલ ફ્લાઈટ. પરંતુ ફ્લાઈટે ઉડાન ભર્યાના થોડા જ કલાકોમાં એર ટ્રાફિક કંટ્રોલ ATC સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને પળવારમાં જ પ્લેન ઈગ્બોકોડા શહેરમાં નદી કિનારા વિસ્તારમાં ક્રેશ થઈને તૂટી પડ્યુ.

નદીકિનારે ક્રેશ થતાં રેસ્ક્યુમાં પરેશાની

નદી કિનારા નજીક જ પ્લેન ક્રેશ થવાના કારણે સ્થાનિક રેસ્ક્યુ અને બચાવ કર્મચારીઓને કેટલીક મુસીબતોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. નદીના પાણીનો ઝડપી પ્રવાહ, કાટમાળનું વહી જવુ, પાણીમાં વિમાનનું ડૂબી જવુ જેવી મુશ્કેલીઓ રેસ્ક્યુમાં નડતરરૂપ બની રહી છે. પાણીમાં ઈંધણ ફેલાઈ શકવાનો પણ ભય રહે છે.

ઉડ્ડયન મંત્રીએ આપ્યા તપાસના આદેશ

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સવાર તમામ 32 ના મોત થયા છે. પ્રમુખ બોલા અહમદ ટિનુબુએ અકસ્માતની સત્તાવાર પુષ્ટિ કરી છે અને મૃતકોના પરિવાર સાથે દેશ ઉભો છે તેવી ઉંડી સંવેદના પણ વ્યક્ત કરી છે. નાઇજીરિયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કિયામોએ જણાવ્યું કે વિમાન એક નિયમિત મિશન પર દેશના આર્થિક કેન્દ્ર લાગોસ જઈ રહ્યું હતું. સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 9 વાગ્યે વિમાન રડારથી ગાયબ થઈ ગયું. બાદમાં જાણવા મળ્યું કે તે નૌકાદળના મથક નજીક ક્રેશ થયું હતું.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિમાન નદી પાસે પડ્યું અને તેનો કેટલોક ભાગ પાણીમાં ડૂબી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેમને જોરદાર અવાજ સંભળાયો, જે તેમને વીજળી પડવા જેવો લાગ્યો. ત્યારબાદ તેમણે વિમાનને પસાર થઈને નીચે પડતું જોયું. ઘટનાસ્થળેથી શરીરના કેટલાક અવશેષો, કપડાં અને જૂતાં પણ મળી આવ્યા

ATR-42 નો ઉપયોગ નાઈજીરિયન સેના ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે કરતી હતી

નાઇજિરિયન એરફોર્સે જણાવ્યું કે ક્રેશ થયેલું વિમાન ATR-42 હતું. નાઇજિરિયન સેના આ વિમાનનો ઉપયોગ ગુપ્ત માહિતી એકત્રિત કરવા, દેખરેખ રાખવા તેમજ સૈનિકો અને સામાનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે કરતી રહી છે. નાના રન-વે પરથી પણ આ પ્લેન સરળતાથી ઉડાન ભરી શકતુ હતુ. પ્લેનમાં ટર્બોપ્રોપ એન્જિનના કારણે જેટ વિમાનની સરખામણીમાં ઓછો ઈંધણ વપરાશ થતો હતો.

નાઈજીરિયામાં અગાઉ પણ પ્લેન અકસ્માતો થયા છે.

  • વર્ષ 2005માં લાગોસથી અબુજા જતી વખતે ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 117ના મોત થયા હતા.
  • વર્ષ 2005માં જ અબુજાથી પોર્ટ હાકોર્ટે જતી વખતે ફ્લાઈટ ક્રેશ થતાં 109ના મોત થયા હતા.
  • વર્ષ 2006માં અબુજાથી પોર્ટ હાકોર્ટે જતી વખતે ફરી આ જ રૂટ પર પ્લેન ક્રેશ થતાં 114ના મોત થયા હતા
  • વર્ષ 2012માં અબુજાથી લાગોસ જતુ પ્લેન લાગોસના રહેણાંક વિસ્તારમાં પડ્યુ હતુ, જેમાં 153 ના મોત થયા હતા. જમીન પરના લોકો પણ દુર્ઘટનાગ્રસ્ત થયા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment