Russia Black Sea attack fire: રશિયાના બ્લેક સીમાં અજાણ્યા અનમેન્ડ વેસલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તે બાદ લાઈબેરિયાના ધ્વજવાળા ઓઈલ ટેન્કરમાં આગ લાગી હતી. ડ્રોન દ્વારા ઓઈલ ટેન્કર એફ્રામેક્સ રિયોમાં હુમલા બાદ ભયંકર આગ લાગી હતી, એટલી ભયાનક આગ હતી કે રશિયાના બીચ પર સામાન્ય લોકોને અવર-જવર માટે કેટલોક સમય સુધી બંધ રાખવામાં આવ્યા હતા.
ઓઈલ ટેન્કર એફ્રામેક્સ રિયોમાં 23 ભારતીયો સવાર હતા
ઓઈલ ટેન્કર એફ્રામેક્સ રિયોમાં 23 ભારતીય ક્રુ મેમ્બર્સ સવાર હતા, જે તમામને સુરક્ષા અને બચાવ દળની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. રશિયાના મંત્રાલય દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, યુક્રેન તરફથી આવેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઓઈલ ટેન્કર વેસલમાં આગ લાગી હતી અને સમુદ્રમાં ક્રુડ ઓઈલ સળગતુ દેખાયુ હતુ. બ્લેક સીમાં જહાજો પર હુમલા છેલ્લાં થોડા સમયથી ખૂબ વધી ગયા છે, તેથી જહાજમાલિકો આ માર્ગે યાત્રા કરવાનું ટાળી રહ્યા છે.
બ્લેક સીમાં હુમલો, રશિયાની નિકાસમાં ઘટાડાનું કારણ
બ્લેક સીમાં હુમલાના કારણે રશિયામાં અનાજની નિકાસમાં મોટો ઘટાડો જોવામાં આવ્યો છે. કારણ કે જહાજ માલિકો બ્લેક સીમાં યાત્રા ટાળે છે અને અન્ય માર્ગે પરિવહન ખર્ચ પુષ્કળ આવે છે. ઑગસ્ટમાં રશિયાની અનાજની નિકાસ 59 લાખ ટનથી ઘટીને 17 લાખ ટન રહી ગઈ હતી, એટલે કે 71%નો ઘટાડો. સપ્ટેમ્બરમાં પણ નિકાસ લગભગ 50% ઘટીને 24.5 લાખ ટન રહેવાનો અંદાજ છે.
બ્લેક સીમાં વધતા હુમલાથી જહાજમાલિકો ત્રસ્ત
રશિયા-યુક્રેન યુદ્ધમાં બ્લેક સી હવે યુદ્ધનો મોટો મોરચો બની ગયો છે. છેલ્લા લગભગ 2 મહિનામાં બંને દેશોએ 300થી વધુ જહાજોને નિશાન બનાવ્યાં છે. આમાં અનાજ લઈ જતાં જહાજો, તેલના ટેન્કરો અને અન્ય માલવાહક જહાજોનો સમાવેશ થાય છે. સતત થઈ રહેલા હુમલાઓની અસર વિશ્વની ખાદ્ય સપ્લાય પર પડવાનો ખતરો છે. ઘઉં અને મકાઈના ભાવમાં વધારો થઈ શકે છે. રશિયા અને યુક્રેન મળીને વિશ્વના લગભગ 30% ઘઉંની નિકાસમાં ભાગ ધરાવે છે. બંને દેશોનું મોટાભાગનું અનાજ બ્લેક સી માર્ગે અન્ય દેશો સુધી પહોંચે છે.
રશિયામાંથી ઘઉંની નિકાસમાં 71 ટકાનો ઘટાડો
રશિયન ઘઉં ખરીદનારા દેશોની સંખ્યા 43થી ઘટીને 16 રહી ગઈ છે. બીજી તરફ, રશિયાથી અનાજ મોકલનારા બંદરોની સંખ્યા 47થી ઘટીને 10 રહી ગઈ છે. દેશના સૌથી મોટા બંદર નોવોરોસિસ્કથી શિપમેન્ટ 24.9 લાખ ટનથી ઘટીને 10.4 લાખ ટન થઈ ગયું છે. બંદરો અને જહાજો પર હુમલા વધવાને કારણે અનાજનો દરિયાઈ વેપાર પ્રભાવિત થયો છે. બંને દેશોના ગોડાઉનોમાં અનાજ ઉપલબ્ધ છે, પરંતુ તેને ખરીદદાર દેશો સુધી પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે. આની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળી રહી છે. ઘઉંના ભાવ છેલ્લા એક વર્ષમાં લગભગ 30% વધી ચૂક્યા છે.
યુક્રેન રેલ અને માર્ગ નેટવર્ક દ્વારા નિકાસ કરે છે.
બ્લેક સીના દરિયાઈ માર્ગને અસર થયા બાદ યુક્રેન માર્ગ અને રેલ નેટવર્ક દ્વારા અનાજ અન્ય દેશો સુધી મોકલી રહ્યું છે. જોકે આ માર્ગોની ક્ષમતા બ્લેક સીના બંદરોની સરખામણીમાં ઘણી ઓછી છે. ડેન્યુબ નદીના માર્ગે પણ મર્યાદિત માત્રામાં અનાજ મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ જળસ્તર અને પરિવહન ક્ષમતાને કારણે આ વિકલ્પ દરિયાઈ માર્ગની સંપૂર્ણ ભરપાઈ કરી શકતો નથી.
ઘઉં અને મકાઈના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 30 ટકાનો વધારો
બ્લેક સીમાં વધતા તણાવની અસર માત્ર ઘઉં પર જ નહીં, પરંતુ મકાઈના સપ્લાય પર પણ પડી શકે છે. 2025-26માં યુક્રેને 2.3 કરોડ ટન મકાઈની નિકાસ કરી હતી. આ વિશ્વના કુલ મકાઈ નિકાસના આશરે 12% જેટલું હતું. જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં મકાઈનો પુરવઠો પણ પ્રભાવિત થઈ શકે છે.











