British Author Jeffrey Archer Passed Away: મહાન બ્રિટિશ સાહિત્યકાર અને લેખક જેફ્રી આર્ચરે 86 વર્ષની જૈફ વયે દુનિયાને અલવિદા કહી દીધી છે. તેઓના પબ્લિશરે આ અંગે માહિતી આપી હતી. તેમનું છેલ્લુ પુસ્તક આદમ એન્ડ ઈવ પ્રસિદ્ધ થવાના થોડા દિવસ અગાઉ જ તેમનું નિધન થયુ છે.
જેફ્રી આર્ચરના પાંચ દશક કરતા વધુના કરિયરમાં તેમની 30 કરોડથી વધુ કિતાબોનું વેચાણ થયુ છે. તેઓ બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયેલા હતા અને ખોટા પુરાવા આપવા બદલ તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. આંતરરાષ્ટ્રીય પ્રકાશક કંપની હાર્પરકૉલિન્સે માહિતી આપી હતી કે જેફ્રી આર્ચરે પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધો છે. આદમ એન્ડ ઈવના વિમોચનના એક દિવસ અગાઉ જ તેમનું નિધન થયુ છે.
કેન એન્ડ એબલની સ્ટોરીની જેમ જ નવુ પુસ્તક પણ અલગ-અલગ સામાજિક વર્ગોમાં એક જ દિવસે જન્મેલા બે પાત્રોની વાર્તા પર આધારિત છે. પાંચ દશક લાંબા લેખન કરિયર દરમિયાન જેફ્રીએ ઘણી મુસીબતો પણ વેઠી છે. જેફ્રીને એક સમયે આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો હતો, તેમાંથી પણ ખુદને ઉગાર્યા છે. નોટ અ પેની મોર-નોટ અ પેની લેસ તેમનું પહેલુ પુસ્તક હતુ, જે 1976માં બહાર પાડવામાં આવ્યુ હતુ. હાર્પરકૉલિન્સના રિપોર્ટ પ્રમાણે જેફ્રી આર્ચરના પુસ્તકો બ્રિટનના સન્ડે ટાઈમ્સમાં સૌથી વધુ વેચાણ થતા પુસ્તકોમાં સમાવિષ્ટ થતા હતા. 14 વર્ષ સુધી જેફ્રીના પુસ્તકોએ આ ખિતાબ અણનમ રાખ્યો હતો. ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં પણ તેમના પુસ્તકો સૌથી વધારે વેચાણ પામતા પુસ્તકોમાં સામેલ થયા.
લેખનકાર્ય સાથે જેફ્રી રાજકારણ સાથે પણ જોડાયેલા હતા અને રાજનીતિજ્ઞ માનવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી માર્ગરેટ થ્રેચરના સમયગાળામાં જેફ્રીએ કન્ઝર્વેટિવ પાર્ટીમાં પોતાની અલગ ઓળખ પણ ઉભી કરી હતી. 1992માં પ્રધાનમંત્રી જોન મેજરે જેફ્રીને હાઉશ ઑફ લોર્ડ્સથી સન્માનિત કર્યા હતા. વર્ષ 2001માં ખોટા પુરાવા આપવા બદલ કેટલાક સમય સુધી જેલમાં પણ જવુ પડ્યુ હતુ ત્યારે તેમને કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી પણ કાઢી મુકવામાં આવ્યા હતા. આર્ચર પરિવારમાં હાલ તેમની પત્ની ડેમ મેરી આર્ચર, બે દિકરા અને પાંચ પૌત્ર-પૌત્રીઓ છે.









