કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું નિધન

ગુજરાત કોંગ્રેસમાં મોટું માથુ અને દિગ્ગજ પ્રભાવશાળી રાજકારણી અને અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું માંદગી બાદ નિધન થયુ છે. 68 વર્ષની વયે કોંગ્રેસી નેતા ગુમાવવાના કારણે કોંગ્રેસ પક્ષમાં સોપો પડી ગયો છે. અમરેલી અને આસપાસના વિસ્તારના તેમના સમર્થકો સહિત રાજકીય અને સહકારી ક્ષેત્રમાં સન્નાટો છવાઈ ગયો છે. આંસુ ભરી આંખે અને ભારે હૈયે પિતાને અગ્નિદાહ આપ્યો જેનીબેન ઠુમ્મરે.

વીરજી ઠુમ્મરે રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા વીરજી ઠુમ્મરની આક્રમક રાજકીય શૈલીને કારણે તેમની અલગ ઓળખ ઊભી થઈ હતી.

વીરજી ઠુમ્મરનો જન્મ 31 મે 1959 ના રોજ અમરેલી ખાતે થયો હતો અને તેમના પત્નીનું નામ નીલાબેન છે. તેઓ લાંબા સમયથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈને જનસેવા અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા હતા. જમીન સાથે જોડાયેલા નેતા તરીકે તેમની છબી હંમેશા લોકોની વચ્ચે રહી હતી. 1990માં બાબરા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય (જનતા દળ) બન્યા. 1995માં બાબરા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ 2004 થી 2009 દરમિયાન અમરેલી લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય (MP) તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સંસદમાં લોકપ્રશ્નોને વાચા આપી હતી. આ ઉપરાંત, જનતાના વિશ્વાસ અને સમર્થનથી તેઓ 2017 થી 2022 દરમિયાન લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય (MLA) તરીકે પણ ચૂંટાયા હતા.

વીરજી ઠુમ્મર હંમેશા ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ યોજાતા વિરોધ પ્રદર્શનોમાં અગ્રેસર ભૂમિકા ભજવતા આવ્યા છે. સામાન્ય જનતા અને ખેડૂતોના હકો માટે લડવાની તેમની આક્રમક શૈલી જાણીતી હતી.

ગુજરાત કોંગ્રેસ સહિત દિગ્ગજ નેતાઓએ વિરજી ઠુમ્મર માટે શોકની લાગણી વ્યક્ત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અમિત ચાવડા, આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ શોક વ્યક્ત કર્યો હતો. અંતિમ યાત્રામાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રામાં ભાજપ નેતા પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment