Elon Musk India claim: વિશ્વના સૌથી અમીર વ્યકિત ઈલોન મસ્કે ભારતમાં ઉદ્યોગપતિઓ પર આરોપ લગાવ્યો છે કે સ્ટારલિંક સર્વિસને ભારતમાં આવવાથી કેટલાક ઉદ્યોગપતિઓ રોકી રહ્યા છે. મસ્કે X પર પોસ્ટ કરીને ભારતીય ઉદ્યોગપતિઓ પર આરોપ લગાવ્યા છે. સ્ટારલિંકની સર્વિસનું સ્ટ્રક્ચર તૈયાર છે, પરંતુ સુરક્ષા મંજૂરીની પ્રક્રિયા હજુ બાકી છે.
અમેરિકી ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંક શરૂ કરવા માટે આવતા અવરોધોને લઈ કેટલાક ઉદ્યોગપતિઓ પર આરોપ લગાવ્યા છે. મસ્કે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે કેટલાક પ્રભાવશાળી ઉદ્યોગપતિઓનું સમૂહ ભારતમાં પોતાની એકાધિકારની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્ટારલિંક સર્વિસ શરૂ કરવામાં અવરોધ ઉભો કરી રહ્યા છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પ્રકારની માહિતી આપી છે, આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મે 2026 સુધીમાં 11,256 જેટલા ગામડાઓમાં 4જી નેટવર્કનો અભાવ હતો. પોસ્ટમાં ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટીની સુવિધા મળતી ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ઈલોન મસ્કે પોતાની આ પોસ્ટમાં કોઈ કંપની અથવા સમૂહનું નામ નથી લીધુ.
ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સની સેટેલાઈટ ઈન્ટરનેટ યુનિટ સ્ટારલિંક ભારતમાં સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યુ છે. કંપનીના ઉપાધ્યક્ષ લૉરેન ડ્રેયરે જણાવ્યુ કે ભારતમાં કંપનીની જરૂરી સ્થાપના માટે રૂપરેખા તૈયાર કરી દેવામાં આવ્યો છે. કંપની આ માટે પહેલાથી જ રોકાણ કરી ચૂકી છે. તેમણે જણાવ્યુ હતુ કે કંપનીએ ભારતમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રૂપરેખા તૈયાર કરી છે. ભારત માટે જમીની સ્તર પર વ્યવસ્થા કરવામાં આવી છે અને ભારતીય યુઝર્સના ડેટા ભારતમાં જ સચવાય તેવી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. કંપનીએ ભારતમાં 20 ગેટવે સાઈટ અને એન્ટેનાની વ્યવસ્થા પણ કરી દીધી છે.
ભારત સરકારે સેટેલાઈટ સંચાલન સેવાઓ માટે સ્ટારલિંક સહિત ત્રણ કંપનીઓને લાયસન્સ આપી દીધા છે. પરંતુ લાયસન્સ મળવા માત્રથી કંપનીની સેવાઓ શરૂ નથી થઈ જતી. કંપનીએ સુરક્ષા મંજૂરી પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. આ જ કારણ છે કે સ્ટારલિંકે ભારતમાં પોતાની સેવા શરૂ કરી નથી.
સ્ટારલિંકથી ગામડાંઓ અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચશે, જેના કારણે ઑનલાઇન શિક્ષણ, ટેલિમેડિસિન અને વ્યવસાયને વેગ મળશે. ઉપરાંત, ટેલિકોમ બજારમાં સ્પર્ધા વધવાથી સસ્તા અને વધુ સારા પ્લાન મળી શકે છે. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું ઇન્ટરનેટ માર્કેટ છે. મસ્ક માટે આ લાઇસન્સ મોટી સફળતા છે, ખાસ કરીને જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની તણાવભરી સ્થિતિ ચાલી રહી છે. તેનાથી સ્પેસએક્સના કોન્ટ્રાક્ટ્સ જોખમમાં છે.










