ડૉનાલ્ડ ટ્રમ્પે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા જેવા ટેક અરબપતિઓની તારીફ કરી છે. પરંતુ, તેના થોડા કલાકો પહેલા જ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઘોષણા કરી હતી કે માઈક્રોસોફ્ટ કંપનીને એવા પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે, કે જેમાં અમેરિકામાં કામ કરતા H-1B વિઝા ધારક કૌશલયુક્ત વિદેશી કર્મચારીઓને ગ્રીનકાર્ડ અરજી માટે સ્પોન્સર કરે છે. માઈક્રોસોફ્ટ પર આ કાર્યવાહી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની આગેવાનીમાં રચાયેલી ટાસ્કફોર્સ દ્વારા કરવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવુ છે કે કંપનીઓના આવા વલણથી ઈમિગ્રેશનનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.
માઈક્રોસોફ્ટને આ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરતા સમયે ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે કહ્યુ હતુ કે, માઈક્રોસોફ્ટ અમેરિકાની મોટી IT જાયન્ટ કંપની છે, પરંતુ તેમણે યોગ્ય અમેરિકન કર્મચારીઓને પોતાની કંપનીમાં સ્થાન આપવુ જોઈએ. કંપનીએ વિઝા સિસ્ટમનો દુરૂપયોગ કર્યો છે. તમે અમેરિકન કર્મચારીઓને કાઢીને તેમના સ્થાને વિદેશી કર્મચારીઓને ન લઈ શકો. વેન્સે એમ પણ કહ્યુ કે ગત વર્ષે માઈક્રોસોફ્ટે 6 હજાર અમેરિકન કર્મચારીઓની છટણી કરી હતી, પરંતુ સાથે જ 6300 H-1B વિઝા અને 3 હજાર ગ્રીન કાર્ડ પણ મેળવ્યા હતા. માઈક્રોસોફ્ટે જેડી વેન્સના આ આરોપો અંગે કોઈ પ્રતિક્રિયાઓ આપી નથી.
તો બીજી તરફ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાની ભરપૂર તારીફ કરી છે. નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી અને ઈનોવેશન્સ આપતા સમયે સત્ય નડેલા અને તેમના કામના વખાણ કર્યા હતા, આ સમયે ટ્રમ્પે વિદેશી કર્મચારીઓને કંપનીમાં સ્થાન આપવા અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી. ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે ત્રણ દાયકાથી વધારે સમય સુધી સત્ય નડેલા માઈક્રોસોફ્ટ માટે કામ કરી રહ્યા છે અને તેમની ભૂમિકા માઈક્રોસોફ્ટમાં અતિમહત્વની છે. તેમણે કંપનીમાં કેટલાક ક્રાંતિકારી બદલાવ પણ કર્યા છે. દુનિયાભરના યુઝર્સને અત્યાર સુધી શ્રેષ્ઠ સોફ્ટવેર આપવાનો પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં નવેમ્બર માસમાં મિડટર્મ યોજાવાની છે, તે જીતવા માટે ટ્રમ્પ પ્રશાસન હવાતિયા મારી રહ્યુ છે. સમગ્ર વિશ્વ એ હકીકતથી વાકેફ છે કે ભલે અમેરિકા બહારથી સુપર પાવર હોવાનો દેખાડો કરી રહ્યુ હોય પરંતુ અમેરિકામાં અંદર જ કેટલીક મોટી સમસ્યાઓ કાયમી ઘર કરી ગઈ છે, જેમાં બેરોજગારી અને મોંઘવારી જેવી મોટી મુશ્કેલીઓના કારણે ટ્રમ્પને મિડટર્મ ચૂંટણી જીતવા માટે ગમે તેવા પગલા ભરવા મજબૂર કરી દીધા છે.









