આઝરબૈજાનમાં શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધને લઈ વિવાદ

Azerbaijan hijab controversy: મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ આઝરબૈજાનમાં હિજાબને લઈ નવો જ વિવાદ સામે આવ્યો છે. દેશની 96 ટકા વસ્તી મુસ્લિમ છે, પરંતુ સરકારે સરકારી શાળાઓમાં ડ્રેસકોડ બદલતા વિવાદ શરૂ થયો છે. નવા નિયમો હેઠળ સરકારે એવા કપડા પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે, જેને સરકાર ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ માને છે. હિજાબ પહેરીને શાળાએ ગયેલી વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને રોકવામાં આવતા વિવાદ શરૂ થયો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા. હવે આ વિવાદ તુર્કી સુધી પ્રસર્યો છે અને સેક્યુલરિઝમ પર ચર્ચાઓ તેજ થઈ છે.

આઝરબૈજાનની સરકારે સપ્ટેમ્બરમાં ડ્રેસકોડમાં બદલાવ કર્યો અને કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા. નવા નિયમોમાં હિજાબ પર સીધી રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી, પરંતુ સેક્યુલરિઝમના સિદ્ધાંતોને ભંગ કરતા વસ્ત્રો પર રોક લગાવવામાં આવી છે. સરકારનું કહેવુ છે કે શાળાઓમાં ડ્રેસકોડ એકસમાન જ હોવો જોઈએ. સરકારે એમ પણ કહ્યુ કે દેશની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા વસ્ત્રો ખાસ પ્રસંગોએ પહેરી શકાય.

આઝરબૈજાનમાં 96 ટકા વસ્તી પોતાને મુસ્લિમ માને છે, તેમાંથી મોટા ભાગે શિયા મુસલમાનો છે અને સુન્ની મુસલમાનોની વસ્તી પણ નોંધપાત્ર છે. છતાં આઝરબૈજાનનું બંધારણ ધર્મનિરપેક્ષ રહીને કામ કરે છે. સાથે જ એમ પણ માને છે કે બંધારણ લોકોને પોતાના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. આ જ કારણ છે કે શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધને લઈને વિવાદ શરૂ થયો છે. સરકાર એક ડ્રેસકોડ લાવવા ઈચ્છે છે, જ્યારે વિરોધકર્તાઓનું કહેવુ છે કે હિજાબ પહેરવો એ વ્યક્તિગત પસંદગી અને ધાર્મિક આસ્થાનો વિષય છે.

આઝરબૈજાનમાં હિજાબ પર પ્રતિબંધને લઈ વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે, સોશિયલ મીડિયા પર વીડિયો પણ આવી રહ્યા છે કે જેમાં વિદ્યાર્થિનીઓને શાળામાં પ્રવેશથી અટકાવતા રડી રહી છે. જર્નલિસ્ટ પોલાદ અસ્લાનોને ભૂખ હડતાલ શરૂ કરી છે. તુર્કીમાં પણ આઝરબૈજાન કોન્સ્યુલેટ સામે વિરોધ પ્રદર્શનો થયા. આઝરબૈજાનના રાષ્ટ્રપ્રમુખને પણ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાષ્ટ્રપતિ ઈલહામ અલીયેવ પર સેક્યુલરિઝમને વધારે ભાર મુકવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment