દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઈલોન મસ્કે અમેરિકાની મિડ ટર્મમાં ડૉનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે પાણીની જેમ પૈસા વહાવ્યા છે. ઈલોન મસ્કે જૂલાઈથી અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટીને 276 મિલિયન ડોલર એટલે કે 2600 કરોડથી વધુનુ દાન કર્યુ છે. મસ્ક આ નાણા અમેરિકાની મિડટર્મ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોની મદદ માટે ખર્ચી રહ્યા છે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ મિડટર્મમાં જ આટલા નાણા ખર્ચ્યા હોય તેવુ ધ્યાને નથી.
મસ્કે 2025-26માં અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટીને આશરે 366 મિલિયન ડૉલર (લગભગ 3500 કરોડ રૂપિયા) આપ્યા છે. આ રકમ 2024ની ચૂંટણીમાં આપેલા તેમના આશરે 290 મિલિયન ડૉલર (લગભગ 2800 કરોડ રૂપિયા) કરતાં ઘણી વધારે છે. જોકે, મસ્કે બંને ચૂંટણીઓ દરમિયાન કેટલાક એવા દાન પણ આપ્યા છે, જેની માહિતી જાહેર કરવામાં આવી નથી
મસ્કના દાનથી એ પણ સ્પષ્ટ થયું છે કે તેઓ અમેરિકન રાજકારણમાં લાંબા સમય સુધી સક્રિય રહેવા માંગે છે. મે 2025માં તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં તેઓ રાજકીય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મસ્કે આપેલી નવી રકમથી મધ્યાવધી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને આર્થિક લાભ મળ્યો છે. તેની સરખામણીમાં ડેમોક્રેટિક પાર્ટીનો કોઈ પણ અબજોપતિ દાતો મસ્ક જેટલા પૈસા ખર્ચી રહ્યો નથી.
મસ્ક પાસે ઘણી મોટી કંપનીઓ છે, જેમાંથી કેટલીકને અમેરિકન સરકાર તરફથી મોટા કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે. ગયા વર્ષે ટ્રમ્પ સાથેના વિવાદ બાદથી મસ્કે પોતાના રાજકીય કામકાજ અંગે જાહેરમાં ઘણા ઓછા નિવેદનો આપ્યા હતા. જોકે, હવે બંનેના સંબંધો ફરી સુધરતા દેખાઈ રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં બંને ત્રણ કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા અને એકબીજાની પ્રશંસા પણ કરી. મસ્કે આટલા પૈસા ખર્ચ્યા તેનાથી સ્પષ્ટ છે કે તેઓ જમણેરી રાજકારણ સાથે પોતાની ભાગીદારી જાળવી રાખવા માંગે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈલોન મસ્કે રિપબ્લિકન પાર્ટી સિનેટ લીડરશીપ ફંડને 158 મિલિયન ડોલરનું દાન કર્યુ છે. આ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટુ પોલિટિકલ ડોનેશન છે. આ સિવાય પણ ઈલોન મસ્કની ટીમ ઘરે ઘરે જઈને રિપબ્લિકન પાર્ટી માટે પ્રચાર કરી રહી છે અને એવા લોકોનો સંપર્ક કરી રહી છે, જેઓ મતદાનમાં વધારે સક્રિય રસ ન ધરાવતા હોય.











