Boat Capsize in Vaishali : બિહારના વૈશાલી જિલ્લામાં રાઘોપુરમાં ગંગાનદીમાં બોટ પલટી જતા મોટી દુર્ઘટના થઈ છે. દુર્ઘટનામાં 6 થી 12 વર્ષના 15 બાળકોના મોત નીપજ્યા છે. એક જ પરિવારની 7 બાળકીઓના મોતથી પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે. રાતે 8.30 વાગ્યે બોટમાં 25થી વધુ લોકો ગંગા નદી પાર કરી શ્રાદ્ધના ભોજનમાં જઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટના બની હતી. વૈશાલીના ડીએમ વર્ષા સિંહે જણાવ્યુ છે કે 7 ઘાયલોને પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવાયા છે, હજુ કેટલા બાળકો લાપતા છે તે અંગે વિગત સામે આવી નથી. ગંગા નદીમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને 4 લાખની અને પીએમઓએ 2 લાખની સહાયની જાહેરાત કરી છે. તો ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે.
ધારાસભ્ય તેજસ્વી યાદવે દુ:ખ વ્યક્ત કર્યુ
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ સંખ્યા દીકરીઓની છે. SDRF ની ટીમ બચાવ કાર્ય માટે તાત્કાલિક પહોંચી ગઈ હતી. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ આ વિસ્તારના ધારાસભ્ય છે. તેમણે પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે.
એક જ પરિવારની 7 બાળકીઓના મોતથી પરિવારમાં માતમ
બોટમાં સવાર તમામ લોકો ગંગા નદી પાર કરી જમણવારમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક બોટ પલટી જતા હ્રદયદ્રાવક ઘટના બની છે. બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરી તાત્કાલિક બોલાવાવમાં આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક નદીમાં કૂદી જેટલા બચે તેમને બચાવવાના પ્રયાસમાં લાગી ગયા હતા.
રેસ્ક્યુ ઓપરેશન રાતથી યથાવત
ગંગાનદીમાં બોટ પલટી જવાની ઘટના બાદ આ વિસ્તારમાં ભયનો માહોલ છે. હજુ કેટલા લાપતા છે તેને લઈને પણ કોઈ સ્પષ્ટ આંકડો સામે આવ્યો નથી. ગંગા નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. પરંતુ નદીનો તેજ પ્રવાહ તેમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે.











