Israel bans Pakistani pilots: ઈઝરાયલ જતી ફ્લાઈટમાં પાકિસ્તાન સહિત 31 દેશના પાયલટ અને કેબિન ક્રુ સહિતની તૈનાતી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિયમો એવા દેશોના પાઇલટ્સ અને ક્રૂ પર લાગુ પડે છે, જેમના દેશોના ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી. તેમાં પાકિસ્તાન ઉપરાંત ઇરાન, ઓમાન, સાઉદી અરેબિયા અને બાંગ્લાદેશ જેવા દેશોનો સમાવેશ થાય છે. 30 સપ્ટેમ્બર 2026ના રોજ દુબઈથી તેલ અવિવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ઓમાનના કો-પાઇલટ હમામ અલ-હમામીએ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. ત્યારથી ઇઝરાયલે વિદેશી એરલાઇન્સના પાઇલટ્સ અને ક્રૂની તપાસ વધુ કડક કરી દીધી છે.
ઈઝરાયલના પરિવહન મંત્રાલયે 1 ઓક્ટોબરે વિદેશી એરલાઇન્સને આ નિયમોની માહિતી આપી હતી. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી મુખ્યત્વે એરલાઇન્સની છે. ઇઝરાયલના અધિકારીઓ દરેક ફ્લાઇટના ક્રૂની નાગરિકતાની નિયમિત તપાસ કરતા નહોતા. આ જ કારણસર પાકિસ્તાન, ઓમાન, ઈરાન, ઈરાક અને લેબનોન જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના પાઇલટ્સ અગાઉ પણ તેલ અવિવ જતી ફ્લાઇટ્સનું સંચાલન કરતા રહ્યા હતા. હવે ઇઝરાયલ આ નિયમોનું કડકાઈથી પાલન કરાવી રહ્યું છે.
હાલમાં એર ફ્રાન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અને સ્માર્ટવિંગ્સે નિયમોનું પાલન કરવાની વાત કહી છે. આવી સ્થિતિમાં આ એરલાઇન્સને ઇઝરાયલ જતી ફ્લાઇટ્સ માટે પાઇલટો અને કેબિન ક્રૂની ડ્યૂટીમાં ફેરફાર કરવો પડી શકે છે. હજુ એ સ્પષ્ટ નથી કે કેટલી વધુ એરલાઇન્સ આ નિયમો લાગુ કરશે. તેની અસર એવા કર્મચારીઓ પર પણ પડી શકે છે જેમની પાસે કોઈ પ્રતિબંધિત દેશની સાથે બીજા દેશની નાગરિકતા પણ છે.
ઇઝરાયલના નિયમોની અસર ઇથિયોપિયન એરલાઇન્સની એક ફ્લાઇટ પર પણ પડી. વિમાન ઇથિયોપિયાની હવાઈ સીમામાં હતું, ત્યારે ઇઝરાયલી અધિકારીઓએ તેને પરત ફરવા જણાવ્યું. અધિકારીઓને જાણ થઈ હતી કે વિમાનમાં ઇન્ડોનેશિયન પાઇલટ હાજર હતો. ઇન્ડોનેશિયાના ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી. ત્યારબાદ વિમાન ઇથિયોપિયાની રાજધાની અદિસ અબાબા પરત ફર્યું. ત્યાં પાઇલટને બદલવામાં આવ્યો અને પછી વિમાને ફરી ઉડાન ભરી. ત્યારબાદ તે તેલ અવીવ પહોંચ્યું. ઇથિયોપિયન એરલાઇન્સે તેને ભૂલ ગણાવી. કંપનીનું કહેવું હતું કે તેને જાણકારી નહોતી કે સંબંધિત પાઇલટ ઇઝરાયલ જતી ફ્લાઇટ ઉડાવી શકતા નથી. ફ્રાન્સની રાષ્ટ્રીય એરલાઇન એર ફ્રાન્સનું કહેવું છે કે તેણે પોતાના કર્મચારીઓને નિયમોની જાણકારી આપી દીધી છે. એર ફ્રાન્સે કર્મચારીઓને એ પણ પૂછ્યું છે કે શું તેમની પાસે કોઈ બીજા દેશની નાગરિકતા છે. ઉપરાંત, માહિતી છુપાવવા બદલ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.









