યમનના અદન શહેરમાં હુથીઓ દ્વારા રાષ્ટ્રપતિ ભવન પર પ્રહાર કરવામાં આવ્યો હતો. 5 બેલેસ્ટિક મિસાઈલો રાષ્ટ્રપતિ ભવન પર છોડવામાં આવી હતી. હુમલા સમયે યમનના પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ ભવનમાં ઉપસ્થિત હતા, તે તમામનો બચાવ થયો છે. હુથીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 2 સુરક્ષાકર્મચારીઓ સહિત ચારના મોત થયા છે.
હુથી બળવાખોરોએ અદનમાં સાઉદી અરેબિયાના સૈન્ય અભિયાનના મુખ્યાલય પર હુમલો કર્યો હતો. તેમણે હથિયારોના ભંડારને પણ નિશાને લીધુ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. યમનમાં સરકાર અને ઈરાન સમર્થિત હુથી બળવાખોરો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. સાઉદી અરેબિયા યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારનું સમર્થન કરે છે અને હુથીઓ સામે લડી રહેલી સરકારી સેનાઓને હવાઈ મદદ આપે છે. બીજી તરફ, ઈરાન પર હુથી બળવાખોરોને સમર્થન આપવાના આરોપો લગાવતા રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન પર થયેલા હુમલા બાદ સંઘર્ષ વધુ ઘેરો થાય તેવી આશંકા સેવાઈ રહી છે. હુથી બળવાખોરોએ સૈન્ય અભિયાન સાથે જોડાયેલા ઠેકાણાઓ પર હુમલો કરીને વધુ ઘેરો સંઘર્ષ વહોરી લીધો છે.
યમનના હુથી બળવાખોરોને ચીન દ્વારા મદદ મળી રહી હોવાનો સતત આરોપ લગાવવામાં આવી રહ્યો છે. બળવાખોરોએ ચીનથી આયાત કરેલા કેટલાક સામાન દ્વારા નવી બેલેસ્ટિક મિસાઈલ બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બળવાખોરો ઈરાનમાં ડિઝાઇન કરવામાં આવેલી ખૈબર શિકન મિસાઇલ જેવી મિસાઇલ તૈયાર કરવા માગે છે, જેની મારક ક્ષમતા આશરે 1500 કિલોમીટર છે. જો હુથીઓ આવા પ્રકારના હથિયાર બનાવવામાં સફળ થાય છે તો સાઉદી અરેબિયા ઉપરાંત ઈઝરાયલ પર પણ હુમલાની આશંકાઓ સેવાઈ રહી છે.









