વિશ્વની અગ્રણી સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિક્સે 2022 પછી ફરી એક વખત કર્મચારીઓને છુટ્ટા કરી દેતા હડકંપ મચી ગયો છે. એક સાથે એક હજાર કર્મચારીઓને નેટફ્લિક્સે પાણીચુ પકડાવી દેતા ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નેટફ્લિક્સના આ પગલાના કારણે કંપનીના કુલ કર્મચારીઓના 6 ટકા હિસ્સા પર અસર થશે. કંપનીએ જણાવ્યુ છે કે ધીમા પડતા ગ્રોથ અને પ્રેક્ષકો માટે વધતી જતી સ્પર્ધાનો સામનો કરવા માટે આ પગલુ લીધુ છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ મોટાભાગનો કાપ પ્રોડક્ટ, ટેકનોલોજી, લીગલ અને હ્યુમન રિસોર્સ (એચઆર) ટીમોમાં જોવાયો છે.
નેટફ્લિક્સના સહ-CEO ટેડ સારાંડોસ અને ગ્રેગ પીટર્સે કર્મચારીઓને ઈ-મેઈલ દ્વારા આ અંગે જાણકારી આપી છે. નેટફ્લિક્સે આ પગલું એવા સમયમાં ઉઠાવ્યું છે જ્યારે કંપની તેના પરંપરાગત સબસ્ક્રિપ્શન કારોબારને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહી છે. તેના પર ઝડપી વૃદ્ધિ બતાવવાનું દબાણ છે. સપ્ટેમ્બરના અંતમાં એક ઇવેન્ટમાં બોલતા સારાંડોસે જણાવ્યું હતું કે અમે તેટલી ઝડપથી વૃદ્ધિ પામી રહ્યા નથી જેટલુ હું ઇચ્છું છું. અમે આ ગતિને ઝડપી બનાવવા કામ કરી રહ્યા છીએ.
હાલ નેટફ્લિક્સ પોતાના શેર્સને કારણે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યુ છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લા 6 માસમાં કંપનીના શેરોમાં 30 ટકાનો ઘટાડો થયો છે અને છેલ્લા એક વર્ષમાં કુલ 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. નેટફ્લિક્સ હાલ ભારે સ્પર્ધાનો સામનો કરી રહ્યુ છે.









