France Gen Z Protest: ફ્રાન્સમાં શાળાઓની ખરાબ હાલત અને સતત વધતી રોજિંદી સમસ્યાઓને લઈને લોકોનો રોષ પારાવાર વધ્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા કેટલાય સમયથી હિંસક આંદોલનો ફાટી નીકળ્યા છે. રાજધાની પેરિસ સહિત આખા દેશમાં આગજની અને હિંસક આંદોલનોનો જુવાળ ફાટી નીકળ્યો છે. સરકારી આંકડા અનુસાર 5 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થિતિ વણસતા પોલીસે અત્યાર સુધી 5500 લોકોની અટકાયત પણ કરી છે.
રાજધાની પેરિસમાં અચાનક શાંતિપૂર્ણ ચાલતુ આંદોલન હિંસક આંદોલનમાં ફેરવાઈ ગયુ હતુ. આંદોલન એટલુ બધુ હિંસક બની ગયુ હતુ કે સ્થિતિ બેકાબુ બની ગઈ હતી. ‘પ્લાસ દ લા રિપબ્લિક’ જેવા મુખ્ય વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ વાહનો સળગાવી દીધા અને રસ્તા પર આગ લગાવી દીધી. ખાણી-પીણી, કપડા સહિતની દુકાનોમાં લોકોએ રીતસરની લૂંટ મચાવી હતી. લોકોએ રેસ્ટોરન્ટમાં પણ લૂંટ કરી હતી અને તોડફોડ મચાવી હતી. ઉપદ્રવીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે આંસુ ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્તિયન લેકોર્નુએ જણાવ્યું કે આ હિંસક અથડામણમાં 1,000 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
હિંસાની આગ ન માત્ર પેરિસમાં પરંતુ ફ્રાન્સના અન્ય શહેરોમાં પણ ફેલાઈ છે. ફ્રાન્સના લિયોન શહેરમાં ઉપદ્વવીઓએ ઐતિહાસિક ટુરિઝમ ઓફિસમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનાને લિયોનના મેયરે શહેર માટે મોટી દુર્ઘટના ગણાવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અસામાજિક તત્વોએ ફાયર બ્રિગેડના જવાનોને આગ બુઝાવતા પણ અટકાવ્યા હતા. આ ઉપરાંત, લિમોજ શહેરમાં ટાઉન હોલમાં ભીષણ આગ લગાડવામાં આવી હતી, જેના કારણે ઐતિહાસિક ઈમારતની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સેન્ટ-એટિયેનમાં એક યુવક ગ્રેનેડ બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનો હાથ કપાઈ ગયો હતો. લિલ શહેરમાં એપલ સ્ટોરમાં ઘૂસીને સામાનની લૂંટ ચલાવવામાં આવી હતી.
ફ્રાન્સમાં સમગ્ર આંદોલનના વિવાદની શરૂઆત શિક્ષણની કથળતી હાલતને લીધે થઈ હતી. 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે શાળામાં પૂરતા શિક્ષકો નથી, શાળાનું માળખુ અને ઈમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કેટલાક સમયથી વિદ્યાર્થીઓ શાળામાં વધુ રોકાણ અને સારા શિક્ષણની માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. વિદ્યાર્થી આંદોલનમાં દેશના મોટા ટ્રેડ યુનિયનો અને વર્ષ 2018માં મોંઘવારી સામે મોરચો માંડનાર જાણીતું ‘યેલો વેસ્ટ’ આંદોલન પણ જોડાઈ ગયું. શિક્ષણ મંત્રીએ 3,000 વધારાના શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હોવા છતાં લોકોનો ગુસ્સો શાંત થયો નથી.
હાલમાં ફ્રાન્સ રાજકીય અસ્થિર સમયગાળામાંથી પસાર થઈ રહ્યુ છે, એવા સમયે હિંસક પ્રદર્શનો શરૂ થઈ જતા સ્થિતિ વધુ તંગ બની છે. રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોન આવતા વર્ષે પદ પણ છોડવાના હોવાની વાતો વહેતી થઈ છે. આગામી રાષ્ટ્રપ્રમુખને લઈને દેશમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હિંસા પર આકરું વલણ અપનાવતા રાષ્ટ્રપ્રમુખ મેક્રોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સરકારી ઈમારતો અને દુકાનોમાં તોડફોડ તથા લૂંટ ચલાવનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરી સજા કરવામાં આવશે. બીજી તરફ વડાપ્રધાને આરોપ લગાવ્યો છે કે અમુક રાજકીય જૂથો ચૂંટણી પહેલા પોતાના એજન્ડા માટે આ હિંસાનો દુરુપયોગ કરી રહ્યા છે.










