સાઉદી અરેબિયા અને અમેરિકાના દબાણ હેઠળ પાકિસ્તાને ઈરાન સાથે વેપારની બે પ્રમુખ બોર્ડર બંધ કરી દીધી છે. ઈરાન સાથેના બે પ્રમુખ વેપાર માર્ગો અનિશ્ચિત કાળ સુધી બંધ કરી દીધા છે. ગબદ-રિમનાન અને તફ્તાન ક્રોસિંગ પર વેપારી પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે. ઈસ્લામાબાદનું કહેવુ છે કે આ પગલુ સુરક્ષા વધારવા અને તસ્કરી રોકવા માટે લેવામાં આવ્યુ છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયથી સરહદની બંને તરફ સેંકડો ટ્રકોનો ખડકલો થઈ ગયો છે.
પહેલાથી જ પાકિસ્તાનની આદત પીઠમાં છરો ભોંકવાની રહી છે. થોડા સમય અગાઉ જ બંને દેશો વાર્ષિક દ્વિ-પક્ષીય વેપારને 10 અબજ ડોલર સુધી પહોંચાડવાની વાતો કરી રહ્યા હતા, બંને દેશના આ સંબંધોને ભાઈચારો ગણાવી રહ્યા હતા. પાકિસ્તાને વેપાર પર રોક લગાવતા LPG સંકટ ઉભુ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બલૂચિસ્તાન સરકારના જણાવ્યા પ્રમાણે આ અસ્થાયી બંધ સુરક્ષા સુધારવા, તસ્કરી રોકવા અને સરહદ વ્યવસ્થાપનને અસરકારક બનાવવા માટે છે. ક્વેટા ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓને નવા ઓર્ડર ન આપવાની સલાહ આપી છે. એલપીજી, ચોખા, ફળો અને અન્ય સામાન લઈને અંદાજે બે હજાર ટ્રકો ફસાયેલા હોવાના અહેવાલ છે.
ગબદ-રિમનાન માર્ગ પરથી દરરોજ હજારો ટન LPG આવતી હતી, જેના કારણે પાકિસ્તાનના ઊર્જા પુરવઠાને અસર થઈ શકે છે. કેટલાક સ્થળોએ મુસાફરોની અવરજવર ચાલુ છે, પરંતુ વેપાર ઠપ થઈ ગયો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે તેને તકનીકી મુદ્દો અને સાવચેતીનું પગલું ગણાવ્યું છે. બંને દેશોના અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાકિસ્તાન અને ઈરાન લાંબા સમયથી પાડોશી અને સાંસ્કૃતિક રીતે નજીકના દેશો રહ્યા છે. બંનેએ વેપાર વધારવા માટે સંયુક્ત બોર્ડર માર્કેટ, બાર્ટર સિસ્ટમ અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તરફ કામ કર્યું હતું. ઓગસ્ટમાં સંયુક્ત વેપાર સમિતિની બેઠકમાં 10 અબજ ડોલરનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. દ્વિપક્ષીય વેપાર અગાઉ વધીને આશરે ત્રણ અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. ઈરાનથી વીજળીની આયાત કરવા અને નવા ક્રોસિંગ ખોલવા અંગે પણ ચર્ચા ચાલી રહી હતી. આવી સ્થિતિમાં અચાનક વેપાર બંધ થઈ જવો ઘણા લોકો માટે ચોંકાવનારો છે. સરહદી વિસ્તારમાં સુરક્ષા સમસ્યાઓ જૂની છે. બલૂચિસ્તાન અને સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતોમાં તસ્કરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસ્થિરતા સામાન્ય રહી છે. પાકિસ્તાનનું કહેવું છે કે, સરહદ વ્યવસ્થાને મજબૂત કરવા માટે આ જરૂરી હતું.
આ પગલાથી સ્થાનિક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. LPGના ભાવ વધી શકે છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. જો આ બંધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો બંને દેશોના આર્થિક સંબંધો પર અસર પડી શકે છે. બીજી તરફ, જો ઝડપી ઉકેલ મળી જશે તો આ માત્ર એક અસ્થાયી વહીવટી પગલું સાબિત થશે.









