Energy Crisis: ભારતમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસના સંકટ બાદ તહેવારોના સમયગાળામાં જ વિજકાપનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતમાં ઓગસ્ટ 2023 પછી સૌથી મોટી વિજ કટોકટી માનવામાં આવી રહી છે. સપ્ટેમ્બર 2026માં ભારતમાં વીજળીની ઘટ વધીને 56 કરોડ યુનિટ થઈ ગઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા અસરગ્રસ્ત રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે વધારાની વીજળી આપવાની માંગ કરી છે.
રાતે અંધારપટનો ખતરો
ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યમાં વિજ અછતના એંધાણથી મોટુ સંકટ ઉભુ થયુ છે. આ રાજ્યોમાં દિવસે તો સૌર ઉર્જાના કારણે ટેકો મળી રહે છે પરંતુ રાતે માંગ વધી જાય છે ત્યારે અછત ટાળવા માટે રાજ્યો વધારાની વીજળી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાતે માંગ વધારે હોવાના કારણે પાવર ગ્રીડ પર દબાણ વધી જાય છે, જેને પહોંચી વળવા રાતે અંધારપટ કરવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
પાવર ક્રાઈસીસના મુખ્ય કારણો
દેશના 9 રાજ્યોમાં વીજ સંકટના ઘણા કારણો હોઈ શકે છે. જેમાં મુખ્ય કારણ વરસાદની અનિયમિતતાને માનવામાં આવી રહ્યુ છે. વરસાદ ઓછો થતા વીજળી ઉત્પન્ન થવામાં ધટાડો નોંધાયો છે. ઉત્પાદન ઓછુ અને સપ્લાય વધારે તેવી ચેનના કારણે અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
કોલસાની અછત પણ વીજ સંકટનું મોટુ કારણ માનવામાં આવી રહ્યુ છે. સપ્ટેમ્બર માસમાં કોલસાથી વીજ ઉત્પાદન 13.3 ટકા વધ્યુ છે પરંતુ કોલસાના મર્યાદિત જથ્થાના કારણે વીજ સંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અસામાન્ય હવામાન પણ મોટુ કારણ ગણી શકાય. અસહ્ય ગરમીએ વીજળીની માંગમાં સામાન્ય કરતા વધારો કર્યો છે. એસી અને કુલરનો વપરાશ સતત ચાલુ રહ્યો છે જેના કારણે પાવર ગ્રીડ પર સામાન્ય કરતા લોડ વધી રહ્યો છે. તો વળી ખેતરમાં પાકને સિંચાઈ માટે પણ વીજ વપરાશમાં મોટો ઉછાળો નોધાયો છે.
વીજ સંકટથી બચવા સરકારના પ્રયાસો
9 રાજ્યોમાં વીજ સંકટના એંધાણને જોતા સરકાર એકાએક સફાળી જાગી છે. ગુજરાતમાં દશેરા હોવા છતા ઉર્જા વિભાગમાં બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો, તો વળી કેન્દ્ર સરકાર પણ રાજ્યોને વીજળી સમયસર મળી રહે તે માટે પ્રયાસ કરી રહી છે. કોલસાનું ઘરેલુ ઉત્પાદન વધે તે માટેના પ્રયાસો વધારવામાં આવી રહ્યા છે. સૌર ઉર્જા આધારિત બેટરી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે.
જો માંગ અને પુરવઠા વચ્ચેનું અસાધારણ અંતર યથાવત રહ્યુ તો આગામી સમયમાં લોકોનો મોટો વીજકાપ સહન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહી.













