Marco Rubio visits reliance: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને US એમ્બેસેડર સર્જિયો ગોર ભારત પ્રવાસે છે. ભારત પ્રવાસ અમેરિકા માટે અતિ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે શક્ય થવા જઈ રહેલી ટ્રેડ ડિલ માટે પણ આ પ્રવાસ અતિમહત્વનો છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને US એમ્બેસેડર સર્જિયો ગોરે જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડરસ્ટ્રીઝની ઓઈલ રિફાઈનરીની મુલાકાત લીધી હતી. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી સાથેની મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ગ્રીન એનર્જી, ડીપ ટેક, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વેપાર વધારવા માટે ભાગીદારીને લઈ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી.

રિલાયન્સના રિફાઈનરી કોમ્પ્લેક્ષનો પ્રત્યક્ષ અનુભવ
રિલાયન્સ ઈન્ડરસ્ટ્રીની હાઈ પ્રોફાઈલ મુલાકાત દરમિયાન અમેરિકન ડેલિગેશનને રિલાયન્સના મેગા રિફાઈનરી કોમ્પ્લેક્ષનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે તેમને રિલાયન્સની નિર્માણાધીન અને તબક્કાવાર શરૂ થઈ રહેલી ‘ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઝ’ તેમજ ડેટા સેન્ટર્સના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, જામનગર કોમ્પ્લેક્સને માત્ર રિફાઇનિંગ પૂરતું સીમિત ન રાખતા ભવિષ્યમાં તેને ડીપ-ટેક, ઇનોવેશન અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગના ગ્લોબલ હબ તરીકે વિકસાવવાનું વિઝન પણ અમેરિકી પ્રતિનિધિમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
બંને પક્ષ વચ્ચે ગ્લોબલ પરિસ્થિતિ અને પરંપરાગત તેમજ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઉભી થઈ રહેલી નવી તકો પર ચર્ચાઓ થઈ હતી. સસ્તી અને વિશ્વસનીય ઊર્જાનો પુરવઠો, ટેક્નોલોજીકલ અપગ્રેડેશન, મજબૂત ગ્લોબલ સપ્લાય ચેઇન અને ભવિષ્યની વૈશ્વિક માંગને પહોંચી વળવા જરૂરી જંગી રોકાણ જેવા મુદ્દાઓ આ બેઠકના કેન્દ્રમાં રહ્યા હતા.
જામનગર રિફાઇનરી એક જ સ્થળે બનેલી વિશ્વની સૌથી મોટી અને આધુનિક રિફાઇનરી છે. અહીં દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઑઇલને પ્રોસેસ કરવાની ક્ષમતા છે. તેના સંસ્થાપક ધીરુભાઈ અંબાણી છે. રિલાયન્સની જામનગર રિફાઈનરી 1999માં શરૂ થઈ હતી. તે દુનિયાની સૌથી મોટી સિંગલ સાઈટ રિફાઈનિંગ કોમ્પ્લેક્ષ છે. રિફાઈનરીમાં પાઈપલાઈનોની લંબાઈ એટલી બધી છે કે ભારતને ઉત્તરથી દક્ષિણ સુધી જોડી શકે.

રિલાયન્સની જામનગર રિફાઈનરીની મુલાકાત બાદ રૂબિયોનું નિવેદન
રૂબિયોએ ભારતને ‘રિફાઇનિંગ સુપરપાવર’ ગણાવ્યું. તેમણે કહ્યું, ‘ભારતમાં વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની મોટી ક્ષમતા છે. દુનિયામાં તેલ સંકટ ઘટાડવામાં ભારતીય રિફાઇનરીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેલની સપ્લાયમાં આવી રહેલી કાયદાકીય અને પ્રતિબંધો સંબંધિત અડચણો દૂર કરવા માટે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે.’
ગૌતમ અદાણી અને એન.ચંદ્રશેખરન સાથે પણ કરી મુલાકાત
જામનગરની મુલાકાત પહેલા માર્કો રૂબિયોએ અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી અને ટાટા સન્સના ચીફ એન.ચંદ્રશેખરન સાથે મુલાકાત કરી હતી. માર્કો રૂબિયોની આ મુલાકાતોથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મોટુ રોકાણ થાય તેવી શક્યતાઓ છે. અદાણી બંદર, એરપોર્ટ, લોજિસ્ટિક્સમાં મોટુ નામ ધરાવે છે, જ્યારે ટાટા ઓટોમોબાઈલ, સ્ટિલ, ઈન્ફોર્મેશનથી લઈ એવિએશન સુધી વિસ્તૃત છે.













