India Reacts on Report about Dawood: સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દાઉદ ઇબ્રાહિમ અને D-Companyને ‘ભારત આધારિત’ ગુનાહિત સંગઠન ગણાવતા ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે આ રિપોર્ટમાં તથ્યગત ભૂલો હોવાનું જણાવી કહ્યું કે, આવી બેદરકારી સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ રઘુ પુરીએ બુધવારે મહાસભામાં ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. ભારતે સ્પષ્ટ કર્યું કે દાઉદ 1993ના આતંકી હુમલાઓનો વોન્ટેડ છે અને તે પાકિસ્તાનમાં છુપાયો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની ત્રીજી સમિતિમાં એક રિપોર્ટના જવાબમાં ભારતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ આ મુદ્દે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. આતંકવાદનો સામનો કરતી વખતે માનવાધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા માટે નિયુક્ત વિશેષ અહેવાલકર્તા બેન સૉલના અહેવાલના સંદર્ભમાં ભારતે આ વાંધો ઉઠાવ્યો હતો. અહેવાલમાં તથ્યાત્મક ભૂલો હોવાનો ઉલ્લેખ કરીને ભારતે કહ્યુ હતુ કે આ પ્રકારની બેદરકારી સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાની વિશ્વસનિયતાને પડકારે છે.
રઘુ પુરીએ ભારતનો પક્ષ રજૂ કરતા જણાવ્યુ કે વિશેષ અહેવાલકર્તા દ્વારા તથ્યાત્મક ભૂલો ધરાવતો અહેવાલ રજૂ થાય તે અસ્વીકાર્ય અને અયોગ્ય છે. આ પ્રકારની સ્થિતિ સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ માટે પણ જોખમી છે. બેન સૉલ દ્વારા રજૂ કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે 2003માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અલ-કાયદા સાથેના સંબંધોને કારણે ગુનાહિત સંગઠન D-Companyના વડાને પ્રતિબંધોની યાદીમાં સામેલ કર્યો હતો. પુરીએ કહ્યું કે આ વાતને અલગથી વાંચવાથી વાસ્તવિક સ્થિતિનું ખોટું ચિત્ર ઊભું થાય છે. ભારતે D-Company ને ભારતીય ગણાવવાના દાવાને ફગાવી દીધો હતો. રઘુ પુરીએ જણાવ્યુ છે કે દાઉદ ઈબ્રાહિમ ભારતમાં 1993ના હુમલા માટે વોન્ટેડ છે. સંયુક્ત રાષ્ટ્રની અલ-કાયદા પ્રતિબંધ વ્યવસ્થા હેઠળ દાઉદને યાદીમાં સામેલ કરવાના કારણોમાં આ બાબત સ્પષ્ટ રીતે નોંધાયેલી છે. આ હકીકતનો ઉલ્લેખ ન કરવો તે ખેદ પમાડે તેવો છે. વિશેષ અધિકાર ધરાવતા લોકોની આવી બેદરકારી સંયુક્ત રાષ્ટ્રને મોટું નુકસાન પહોંચાડે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં આ રિપોર્ટ બેન સૉલે તૈયાર કર્યો છે. તેઓ ઑસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર છે અને ઑસ્ટ્રેલિયન એકેડેમી ઑફ સોશિયલ સાયન્સિસના સભ્ય પણ છે.સૉલને મળતી આર્થિક મદદને લઈને પણ સવાલો ઉભા થયા છે. સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર નજર રાખતી બિન સરકારી સંસ્થા યુએન વોચે મે 2026માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ચીની સરકારે બેન સૉલને વર્ષ 2024માં 1.5 લાખ ડોલર આપ્યા હતા તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો.
દાઉદ 2003માં પ્રતિબંધિત લોકોની યાદીમાં સામેલ થાય તે અગાઉ જ ભારત છોડીને પલાયન થઈ ગયો છે. દેશની બહાર રહેતી વખતે અલ-કાયદા અને ઓસામા-બિન લાદેન સાથેના સંપર્કોના કારણે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની યાદી મુજબ દાઉદ એ જ દેશમાં છૂપાયેલો છે જ્યાં ઓસામા બિન લાદેન હતો અને તે ત્યાં માર્યો ગયો. 2011માં પાકિસ્તાનના અબોટાબાદમાં અમેરિકી નેવી સીલ્સની કાર્યવાહી દરમિયાન ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો.










