Iran Attacks on 7 oil Tankers: ઈરાની નૌકાદળે એકસાથે ચાર ઓઈલ ટેન્કર પર હુમલો કરતા હડકંપ મચી ગયો છે. વધુમાં જણાવ્યુ છે કે 24 કલાકમાં સાત જહાજોને નુકસાન પહોંચાડ્યુ છે. તેમાંથી ચાર જહાજો પર તો એક સાથે હુમલો કરવામાં આવ્યો હતો, હુમલા બાદ તેમાં આગ પણ લાગી હતી. સમગ્ર ઘટના દરમિયાન હોર્મૂઝમાં પશ્ચિમે ત્રણ જહાજો સુરંગ સાથે ટકરાયા હતા. ઈરાને આરોપ લગાવ્યો છે કે આ જહાજો ચેતવણી છતા એવા માર્ગ પરથી પસાર થયા જે પ્રતિબંધિત હતો. ત્યારબાદ ચારેય જહાજો પર એકસાથે હુમલો કરવામાં આવ્યો છે. ઈરાને હુમલો કરાયેલા જહાજો વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.
હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વમાં ઓઈલના પુરવઠાનો મોટો હિસ્સો આ જ માર્ગ પરથી થાય છે. અહીં જહાજોની અવરજવર ઘટવાથી તેલના પુરવઠા પર અસર થવાની અને કિંમતો વધવાનો ખતરો છે. 20 ઓક્ટોબરે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ઓઈલ ટેન્કરોની સંખ્યા સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ 99% ઘટી ગઈ.
ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે અમેરિકા જહાજોને માઈન્સ ફેલાવેલા વિસ્તારોમાંથી પસાર થવા માટે ઉશ્કેરી રહ્યુ છે. જો અમેરિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહી તો વળતા હુમલાઓ વધારી શકાય છે. પશ્ચિમ એશિયામાં આવેલા સૈન્ય મથકો પણ નિશાના પર આવી જાય તેવી પણ ધમકી આપી હતી. ઈરાને કહ્યું કે તેની નૌસેના હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર નિયંત્રણ રાખી રહી છે. જોકે, અમેરિકાની તરફથી આ આરોપો અંગે તાત્કાલિક કોઈ જવાબ સામે આવ્યો નથી.
અમેરિકા અને ઇઝરાયલે અમેરિકાની મધ્યાવધી ચૂંટણી બાદ ઈરાન પર નવા હુમલા કરવાની યોજનાઓ તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. તેમાં ઈરાનના ઊર્જા મથકો, પરમાણુ કેન્દ્રો અને મિસાઇલ-ડ્રોન મથકોને નિશાન બનાવવાની યોજના સામેલ છે. અમેરિકા નવેમ્બરની શરૂઆત સુધીમાં પશ્ચિમ એશિયામાં પોતાની સૈન્ય તૈનાતી વધારવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં ત્રણ વિમાનવાહક જહાજો, હજારો મરીન સૈનિકો અને લડાકુ વિમાનો સામેલ થઈ શકે છે.
તો સામે પક્ષે ઈરાને પણ હુમલાની સંભાવનાના દાવાઓ બાદ વળતી કાર્યવાહી કરવાની ચેતવણા આપી છે.









