North Korea vs South Korea: વિશ્વ વધુ એક યુદ્ધનું સાક્ષી બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. નોર્થ અને સાઉથ કોરિયા વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. બંને દેશના લશ્કર પણ સરહદ પર સામસામે આવી ગયા છે. કિમ જોંગ ઉનની બહેને સરહદ પર તૈયારીઓની સમીક્ષા પણ કરી લીધી છે. ગમે ત્યારે છમકલુ થાય અને ઉતાવળા કિમ જોંગ ઉનને યુદ્ધ કરવાનો મોકો મળી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
રશિયા-યુક્રેન અને અમેરિકા-ઈરાન યુદ્ધ હજુ તો પૂરુ નથી થયુ ત્યાં વધુ એક યુદ્ધ થવાના ભણકારા વાગતા સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આ તારણ ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉનની બહેન કીમ યો જોંગે કાઢ્યુ છે. કિમ યો જોંગ બહારથી જેટલી સુંદર છે અંદરથી એટલી જ કઠોર અને ચાલાક છે. કિમે સમાચાર એજન્સીઓને માહિતી આપી હતી કે તેનો દેશ દક્ષિણ-કોરિયા સાથેની સરહદે વધુ શસ્ત્રાસ્ત્રો ગોઠવશે તથા લાઉડ સ્પીકર દ્વારા ફરી પ્રસારણ શરૂ કરવા વિચારી રહ્યો છે.આ ખતરનાક સૌંદર્ય સમ્રાજ્ઞાીએ ખુલ્લો પડકાર આપતાં કહી દીધું છે કે, દક્ષિણ કોરિયાના યુધ્ધ પ્રેમી લોકો અમારા નિર્દોષ સૈનિકો સામે ઓટોમેટિક રાયફલો તથા મશીનગનો દ્વારા ગોળીઓ ચલાવી ચેતવણીઓ આપી રહ્યા છે અને ગંભીર ખતરો ઉભો કરી રહ્યા છે.
બીજી તરફ દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગે સ્થાનિક પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે અમેરિકા સાથે કામ કરી રહેલી સંયુક્ત સેનાઓનો યુદ્ધ-કાલીન ઓપરેશન કંટ્રોલ (યુદ્ધ સમયે સંચાલનનું નિયંત્રણ) જે અત્યારે અમેરિકાના હાથમાં છે, તે પાછું લેવા માટે દ. કોરિયા પુરેપુરું સક્ષમ છે. તે માટે વોશિંગ્ટન સાથે વાતચીત ચાલી રહી છે. આ સાથે લીએ કહ્યું હતું કે દક્ષિણ કોરિયાએ એક શકિતશાળી સેના તૈયાર કરી છે. જે ઉત્તર કોરિયાનો મુકાબલો કરી શકે તેમ છે. ભલે પ્યોગ્યાંગે (ઉ.કોરિયાએ) પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા હોય પરંતુ તે શસ્ત્રો તો અંતિમ બચાવ માટે છે. યુદ્ધ લડવા માટે નથી. સીધા શબ્દોમાં કહીએ તો અમારે વહેલામાં વહેલી તકે યુદ્ધ કાલીન ઓપરેશન કંટ્રોલ પાછો લઇ લેવો જોઈએ. અમે તે માટે પૂરા સક્ષમ પણ છીએ અને તે માટે અમેરિકા સાથે વાતચીત પણ ચાલી રહી છે. જો કે આ પ્રક્રિયા સરળ તો નથી જ કારણ કે 70 પૂર્વે અમેરિકાને તે કંટ્રોલ આપવામાં આવ્યો હતો.









