Piyush Goyal on EU Carbon Tax: કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે યુરોપના વિકસિત દેશોને આડેહાથ લીધા છે. જર્મનીની રાજધાની બર્લિનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પિયૂષ ગોયલના આકરા તેવર જોવા મળ્યા હતા. યુરોપના વિકસિત દેશોને તેમણે સ્પષ્ટ સંભળાવી દીધુ હતુ. રોકડુ પરખાવતા પિયૂષ ગોયલે કહ્યુ હતુ કે વિશ્વ જે પર્યાવરણ સંકટનો સામનો કરી રહ્યુ છે તેના માટે અમીર દેશોનો ઐતિહાસિક ફાળો રહ્યો છે. ભારત જેવા વિકાસશીલ દેશોને તેના માટે જવાબદાર ઠેરવવુ યોગ્ય નથી. પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધારવામાં અમીર અને વિકસિત દેશો અગ્રેસર રહ્યા છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે આ અંગે આંકડા પણ આપ્યા હતા, તેમણે જણાવ્યુ હતુ કે ભારત વિશ્વની 17 ટકા વસ્તી ધરાવે છે. તેમ છતાં ગ્લોબલ કાર્બન ઉત્સર્જનમાં ભારતનો ફાળો 3 ટકાથી પણ ઓછો છે. આનાથી વિપરીત, યુરોપની વસ્તી વિશ્વની કુલ વસ્તીના માત્ર 3 થી 4 ટકા જેટલી હોવા છતાં કાર્બન ઉત્સર્જનમાં તેમના યોગદાનને નકારી શકાય નહી. આજે પણ યુરોપમાં પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન ભારતની તુલનામાં 7 થી 8 ગણુ વધારે છે. ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં નીતિઓ ઘડતી વખતે દરેક દેશના ઐતિહાસિક યોગદાન અને વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવુ જરૂરી છે.
પિયૂષ ગોયલનું આ નિવેદન યુરોપિયન યુનિયન (EU) દ્વારા લાવવામાં આવેલ ‘કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ’ (CBAM) એટલે કે કાર્બન ટેક્સ સામે ભારતની ચિંતાઓ દર્શાવે છે. આ નીતિ હેઠળ યુરોપમાં આયાત થતાં સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ, ખાતર, હાઇડ્રોજન અને વીજળી જેવા ઉત્પાદનો પર કાર્બન ઉત્સર્જનના આધારે વધારાનો ટેક્સ લાદવામાં આવશે. યુરોપનો દાવો છે કે આનાથી સમાન તક મળશે, પરંતુ ભારતને ડર છે કે આનાથી યુરોપના બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘા થઈ જશે અને ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતા પર વિપરીત અસર પડશે. ભારત લાંબા સમયથી ગ્લોબલ મંચ પર એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે પર્યાવરણ અને હવામાનમાં થતા ફેરફારો સામે લડવું એ વિશ્વના તમામ દેશોની સામૂહિક જવાબદારી છે. જોકે, આ લડાઈમાં દરેક દેશની ભૂમિકા અને ક્ષમતા એકસરખી હોઈ શકે નહીં. ભારતનું સ્પષ્ટ માનવું છે કે અમીર અને વિકસિત દેશોએ ભૂતકાળમાં ઉદ્યોગો અને વિકાસના નામે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવ્યું છે, તેથી તેમની જવાબદારી પણ વધારે બને છે. વિકસિત દેશોએ પોતાની મજબૂત આર્થિક સ્થિતિનો ઉપયોગ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોને સ્વચ્છ ઊર્જા અપનાવવા માટે જરૂરી નાણાકીય સહાય અને આધુનિક ટેક્નોલોજી પૂરી પાડવી જોઈએ. ભારત પર્યાવરણના રક્ષણ માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છે, પરંતુ તે એવી નીતિઓ કે નિયમોનો વિરોધ કરે છે જેનાથી તેના દેશના આર્થિક વિકાસ, વેપાર અને નિકાસ પર ખોટો બોજ પડે.









