તાઈવાન,ચીન અને જાપાનમાં શક્તિશાળી ચાંપીનો ખતરો, ભારે તબાહીની આશંકા

Super Typhoon Champi:પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલુ શક્તિશાળી વાવાઝોડુ ચાંપી તાઈવાન તરફ આગળ વધી રહ્યુ છે. જેના કારણે તાઈવાન, ચીન અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાના કેન્દ્ર નજીક પવનની ઝડપ 227 કિલોમીટર પ્રતિકલાકની નોંધાઈ છે. આ શક્તિશાળી સાયક્લોનના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની અને ભારે મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ અને વાવાઝોડાની શક્યતાના કારણે જાપાન અને તાઈવાનમાં 225થી વધુ ફ્લાઈટ્સ અટકાવી દેવામાં આવી છે.

ચાંપી નામ ફૂલના નામ પરથી રાખવામાં આવ્યુ છે. વાવાઝોડુ ચાંપી વર્ષ 2026નું સૌથી શક્તિશાળી વાવાઝોડુ માનવામાં આવી રહ્યુ છે. ફિલિપાઈન્સની હવામાન એજન્સીએ આ વાવાઝોડાને રોઝલ નામ આપ્યુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાતે વાવાઝોડુ તાઈવાનના ઉત્તર-પૂર્વીય દરિયાકાંઠાની નજીક પહોંચી જશે. ત્યારબાદ ઉત્તર તરફ આગળ વધી ચીનના દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાંથી પસાર થવાની શક્યતા સેવાઈ રહી છે. વાવાઝોડુ દક્ષિણ જાપાન તરફ આગળ વધે તેવી પ્રબળ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વાવાઝોડાનો વ્યાપ 320 કિલોમીટરથી પણ વધારે છે, તેથી તેની અસર આગામી બે દિવસ સુધી મોટા વિસ્તારમાં જોવા મળી શકે છે.

વાવાઝોડાના પગલે દરિયાકાંઠા નજીકના વિસ્તારના લોકોને મોબાઈલ પર ઈમરજન્સી એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે અને દરિયાકિનારાથી દૂર ખસી જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. શક્તિશાળી વાવાઝોડાના કારણે દરિયામાં 6 મીટર એટલે કે 20 ફૂટ ઉંચા મોજા ઉછળે તેવી પણ સંભાવનાઓ છે. તાઈવાનમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ અને પૂરનું જોખમ પણ ઉભુ જ છે.

તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ તેએ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે. પર્વતીય કે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ પ્રવાસ ટાળવા માટે લોકોને અપીલ કરી છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સઘન નજર રાખવા માટે સૂચના આપી છે. જાનહાની નિવારી શકાય અથવા બને એટલી ઓછી જાનહાની થાય તેવા પગલા લેવા માટે તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. વાવાઝોડાના ખતરાને લઈ તાઈવાનમાં 125 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. જાપાનના ઓકિનાવા પ્રાંતના યોનાગુ ટાપુ પરથી વાવાઝોડુ પસાર થાય તેવી શક્યતાઓને પગલે જાપાની એરલાઈન્સે 100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. જેના કારણે 11000 થી વધુ મુસાફરો રઝળી પડ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment