દુબઈમાં આંખો ફાટી જાય તેવા સોનાના ઝુમખા આજ-કાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 16.5 કિલોથી વધુ વજનના સોનાના આ ઝુમખા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યા છે. ભારતીય જ્વેલરી કંપની દ્વારા આ ઝુમખાને તૈયાર કરવામાં આવ્યા છે. કંપનીના આ ઝુમકાઓને દુનિયાની સૌથી ભારે અને સૌથી મોટી સોનાની બુટ્ટીઓની જોડી તરીકે માન્યતા મળી છે. 22 કેરેટ સોનાથી બનેલા આ ઝુમકાઓનું કુલ વજન 16.514 કિલો છે.
આ ઝુમકાઓનું નામ ‘મયૂર સહસ્ર’ રાખવામાં આવ્યું છે. તેનો અર્થ ‘એક હજાર મોર’ થાય છે. તેને 24 ઓક્ટોબરે દુબઈના ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ સ્થિત જ્વેલ ઓફ જૉય શોરૂમમાં પ્રદર્શિત કર્યા હતા. આ અવસરે UAEના ઇકોનોમી અને ટૂરિઝમ મિનિસ્ટર અબ્દુલ્લા બિન તૌક અલ મર્રી પણ ઉપસ્થિત હતા.

આ વિશાળ ઝુમખાને બનાવવા 55 કુશળ કારીગરોએ કેટલાય મહિનાઓ સુધીનો પોતાનો સમય આપ્યો હતો. તેને તૈયાર કરવામાં 5840 કલાકનો સમય લાગ્યો હતો. ઝુમખાની લંબાઈ 1.215 મીટર અને વ્યાસ 0.682 મીટર છે. ભારતીય સંસ્કૃતિમાં મોરને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે તેથી તેની બનાવટમાં મોરની ઝાંખી પણ જોવા મળે છે. તેની ડિઝાઈનમાં લગ્નોમાં પહેરવામાં આવતા ઘંટ આકારના ઝુમખાની ઝાંકી પણ જોવા મળે છે.
રેકોર્ડ બનાવનારા આ ઝુમખાને દુબઈના ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ સ્થિત જ્વેલ ઓફ જોય બાય જોયાલુકાસ શો રૂમમાં જોઈ શકાશે. કાયમી ધોરણે અહીં શો રૂમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સામાન્ય લોકો પણ આ ઝુમખાને નિહાળી શકશે.
કંપનીના ચેરમેને બનાવટકર્તા કારીગરો અને દુબઈનો આભાર માન્યો હતો. આ ઝુમખા તે કારીગરોની મહેનતનું પરિણામ છે તેવુ દર્શાવ્યુ હતુ.









