અમેરિકા-ઈરાન યુદ્ધ બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુની ધમકી બાદ વળતા જવાબમાં ઈરાને પણ ધમકી આપી છે. નેતન્યાહુએ ઈરાનની વર્તમાન સરકાર ઉથલાવી દેવાની ધમકી આપી હતી, જેના જવાબમાં ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના વડા ઈબ્રાહિમ અઝીઝીએ ચેતવણી આપી છે કે જો ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને હિત પર હુમલો કરવામાં આવશે તો ઈરાન એક કલાક કરતા પણ ઓછા સમયમાં રહેવા લાયક નહી છોડવામાં આવે.
અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈઝરાયલના મહત્વના માળખા દર્શાવતો નકશો પણ જાહેર કર્યો છે. તેમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવતા પ્લાન્ટ, વીજમથકો, તેલ રિફાઈનરી, ઈંધણ સંગ્રહ કેન્દ્રો, પુલ અને ડિમના પરમાણુ સંશોધન કેન્દ્ર સહિતના સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઈરાની નેતાની ધમકી છે, આ સ્થળો પર હુમલો થયાના અહેવાલો નહી.
ઇબ્રાહિમ અઝીઝીએ નેતન્યાહુના નિવેદનના જવાબમાં આ પોસ્ટ કરી હતી. ઈરાની મીડિયા અહેવાલો અનુસાર, શેર કરવામાં આવેલા નકશામાં ઇઝરાયલનાં વિવિધ મહત્ત્વનાં માળખાં દર્શાવવામાં આવ્યાં છે. સોરેક, હેડેરા, અશદોદ અને અશકેલોનનાં પ્લાન્ટનો ઉલ્લેખ છે. આ પ્લાન્ટ દરિયાના પાણીને પીવાલાયક બનાવે છે.ઓરોટ રાબિન અને એશ્કોલ વીજમથકોને સંભવિત નિશાન તરીકે દર્શાવવામાં આવ્યાં છે. હાઇફા અને અશદોદની તેલ રિફાઇનરી તથા ઇંધણ સંગ્રહ કેન્દ્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડિમોના સ્થિત પરમાણુ સંશોધન કેન્દ્રને પણ નકશામાં દર્શાવાયુ છે.
આ ધમકી સૂચવે છે કે સંઘર્ષ વધુ વકરે તો ઈરાન માત્ર લશ્કરી સ્થળોને જ નહીં, પરંતુ ઇઝરાયલની પાણી, વીજળી, ઇંધણ અને પરિવહન જેવી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા માળખાંને પણ નિશાન બનાવવાની વાત કરી રહ્યું છે.
ઈરાનની આ ધમકી એવા સમયે આવી છે, જ્યારે અમેરિકા અને ઇઝરાયલ તરફથી સંભવિત નવા લશ્કરી હુમલાઓને લઈને તણાવની સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન ઈરાન વિરુદ્ધ મર્યાદિત લશ્કરી કાર્યવાહી ફરી હાથ ધરવાની શક્યતા અંગે નિવેદન આપ્યું હતું. અગાઉના અભિયાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે અમેરિકા ફરી એક નાનું ‘એપિક ફ્યુરી’ અભિયાન ચલાવી શકે છે. અમેરિકી વહીવટીતંત્ર તરફથી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો કરવાની યોજના ન હોવાની વાત પણ કહેવામાં આવી છે. વ્હાઇટ હાઉસનાં ઉપપ્રેસ સચિવ અન્ના કેલીએ નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકા મધ્યસત્ર ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો નહીં કરે. અમેરિકાનાં હથિયારો પશ્ચિમ એશિયા તરફ મોકલવામાં આવી રહ્યાં હોવાનો પણ અહેવાલોમાં ઉલ્લેખ છે.










