Microsoft Offers Voulntary Resignation to Employees: ક્રાંતિ કેટલીક વખત જોખમી પણ બનતી હોય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી ક્રાંતિ ક્ષેત્રે નવુ સોપાન તો છે જ પણ સાથે સાથે એ નોકરીઓ પણ ખાઈ રહ્યુ છે. તેનાથી લોકોના જીવનધોરણ અને સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. વિશ્વની અગ્રણી ટેક કંપની માઈક્રોસોફ્ટ હાલ ચર્ચામાં છે, કારણ કે માઈક્રોસોફ્ટે કંપનીના એક કે બે હજાર નહી, પરંતુ 60 હજાર કર્મચારીઓને સ્વેચ્છાએ રાજીનામાની ઓફર કરી છે. આવા પગલાં બદલ IT સેક્ટરમાં હાહાકાર મચી ગયો છે.
માઈક્રોસોફ્ટ AI ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મોટાપાયે રોકાણ કરી રહ્યુ છે, આ ખર્ચને નિયંત્રિત કરવા માટે અને સંતુલન જાળવવા માટે કંપનીએ ભારત, અમેરિકા, કેનેડા અને UK માં કામ કરતાં 60 હજાર કર્મચારીઓને સ્વેચ્છાએ રાજીનામુ ધરી દેવાની ઓફર કરી છે. કંપનીએ 60 હજાર પાત્ર કર્મચારીઓ માટે સમય મર્યાદિત વોલન્ટરી બાયઆઉટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ યોજના માઈક્રોસોફ્ટના વૈશ્વિક સ્ટાફના 25 ટકા હિસ્સાને આવરી શકે છે.
આ પ્રોગ્રામ ચાર દેશો કેનેડા, ભારત, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ભાગ લેતી ટીમોના લેવલ 70 અને તેનાથી નીચેના હોદ્દા ધરાવતા પાત્ર કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે. કંપનીના જણાવ્યા મુજબ, કર્મચારીઓને આ ઓફરની વિગતો ખૂબ જ ટૂંકા ગાળામાં મોકલી દેવામાં આવશે, જેનાથી તેઓ નાણાકીય અને સંસ્થાકીય સહાય સાથે કંપનીમાંથી સ્વેચ્છાએ બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરી શકે.
ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ ડેટા સેન્ટર્સ, અદ્યતન પ્રોસેસિંગ ચિપ્સ, AI સર્વર પાછળ કરોડો અબજો રૂપિયાનું રોકાણ કરી રહી છે. વર્ષ 2026 માટે માઈક્રોસોફ્ટે 175 અબજ ડોલરના મૂડીખર્ચની શક્યતા વ્યક્ત કરી છે. રોકાણકારોમાં પણ હવે તો એવી ચર્ચાઓ થવા લાગી છે કે AI પાછળ થતો અતિશય ખર્ચ ભવિષ્યમાં કંપનીને અપેક્ષિત વળતર અપાવી શકશે કે કેમ, તેના જ કારણે કંપની અન્ય ક્ષેત્રોમાં ખર્ચ ઘટાડીને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
માર્કેટિંગ, કમર્શિયલ બિઝનેસ, સાયબર સિક્યોરિટી ટીમોને આ પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે. જ્યારે AI એક્સપિયરન્સ, કો-પાયલટ, ફાઈનાન્સ, હ્યુમન રિસોર્સ, એક્સબોક્સ, વિન્ડોઝ + ડિવાઈસ જેવા વિભાગમાંથી કર્મચારીઓને સ્વેચ્છાએ રાજીનામુ આપવાની ઓફર કરવામાં આવી છે.
30 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન માઈક્રોસોફ્ટમાં વૈશ્વિક સ્તરે 2.23 લાખ ફુલ ટાઈમ કર્મચારીઓ કાર્યરત હતા. આ જ વર્ષે અમેરિકામાં 9 હજાર કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો હતો. જૂલાઈમાં કંપનીએ વૈશ્વિક વર્કફોર્સમાંથી 2.1 ટકા એટલે કે 4800 નોકરીઓ કાપવાની જાહેરાત કરી હતી.
કંપનીએ એક્ઝિટ માટે પેકેજ પણ જાહેર કર્યુ છે, જેમાં કર્મચારી સ્વૈચ્છિક રાજીનામુ આપે છે તો તેને કેટલાક લાભ પણ મળશે. કર્મચારીઓને હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા, સ્ટોક વેસ્ટિંગના કેટલાક લાભ, કરિયર ચેન્જમાં સપોર્ટ જેવા લાભ પણ મળશે.










