Israel Prime Minister Election: ઈઝરાયલમાં સંસદીય ચૂંટણી માટેનું મતદાન આજે થઈ રહ્યુ છે. આ વખતે નેતન્યાહુને બદલે પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝનકોટ વડાપ્રધાન પદના સૌથી મોટા દાવેદાર છે. 6 માંથી 4 ઓપિનિયન પોલમાં અઝાઈનકોટના ગઠબંધનને વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે નેતન્યાહુના ગઠબંધનને એક પોલમાં સરસાઈ અને એક પોલમાં બહુમતી મળી છે. ઈઝરાયલની સંસદમાં 120 બેઠકો છે. સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 61 બેઠકોની જરૂર પડે છે. ઈઝરાયલના 76 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ રાજકીય પક્ષે એકલા હાથે બહુમતી મેળવી નથી. 4 નવેમ્બરે સત્તાવાર પરિણામ જાહેર થશે.
ઈઝરાયલમાં લોકો કોઈ નેતાને નહી પરંતુ પાર્ટીને મત આપે છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની એક યાદી બનાવે છે. સમગ્ર દેશમાં પાર્ટીને મળેલા મતોના આધારે નક્કી થાય છે કે તેને સંસદમાં કેટલી બેઠકો મળશે. સંસદમાં બેઠક મેળવવા માટે એક શરત છે. કોઈ પાર્ટીને કુલ માન્ય મતોમાંથી ઓછામાં ઓછા 3.25% મત મેળવવા પડે છે. આથી ઓછા મત મળવા પર પાર્ટીને સંસદમાં કોઈ બેઠક મળતી નથી. પાર્ટીના કયા ઉમેદવારો સાંસદ બનશે, તેનો નિર્ણય ઉમેદવારોની યાદી પરથી થાય છે. દરેક પાર્ટી ચૂંટણી પહેલાં પોતાના ઉમેદવારોની એક યાદી જાહેર કરે છે. જો કોઈ પાર્ટીને 20 બેઠકો મળે, તો યાદીમાં પ્રથમ 20 સ્થાને રહેલા ઉમેદવારો સાંસદ બની જશે.
ઈઝરાયલમાં ચાર મોટા મુદ્દાને લઈને ચૂંટણી લડવામાં આવી રહી છે. 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલાને રોકવામાં ઇઝરાયલી સેના અને ગુપ્તચર એજન્સીઓ નિષ્ફળ રહી હતી. ત્રણ વર્ષ બાદ પણ સરકારે આટલી મોટી ચૂક કેવી રીતે થઈ તેની તપાસ કરવા માટે આયોગ બનાવ્યો નથી. વિપક્ષનો આરોપ છે કે સરકાર આ હુમલાને રોકવામાં નિષ્ફળ રહી અને તેણે તેની જવાબદારી લેવી જોઈએ. સેનામાં ભરતીને લઈને પણ ઈઝરાયલ સરકાર પર આરોપ લાગી રહ્યા છે. ગાઝામાં યુદ્ધ શરૂ થવા પહેલાં નેતન્યાહૂ સરકારે સુપ્રીમ કોર્ટની સત્તા ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દો આજે પણ નેતન્યાહૂ સરકાર અને તેના વિરોધીઓ વચ્ચેના ટકરાવનું મોટું કારણ છે. નેતન્યાહૂએ હમાસ સામે સંપૂર્ણ જીતનું વચન આપ્યું હતું, પરંતુ હમાસ અને લેબનોનનો હિઝબુલ્લાહ હજુ પણ સક્રિય છે.









