રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના નજીકના માનવામાં આવતા સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વુચિચને ચૂંટણીમાં પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે. બે વર્ષથી તેમના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં જીત થઈ છે. વિદ્યાર્થી ગઠબંધન સ્ટુડન્ટ લિસ્ટે ચૂંટણી જીતી લીધી છે.
વિદ્યાર્થીઓ સરકારના ભ્રષ્ટાચાર અને સરમુખત્યારશાહી વલણ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા હતા. વુચિચ 2012થી સર્બિયાની રાજનીતિના સૌથી શક્તિશાળી નેતાઓમાં સામેલ રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન, બંને પદો પર રહી ચૂક્યા છે. વુચિચે હાર સ્વીકારતાની સાથે જ રાજધાની બેલગ્રેડમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તેમાં મોટાભાગના યુવાનો હતા. લોકોએ સર્બિયાના ધ્વજ લહેરાવ્યા, ગાડીઓના હોર્ન વગાડ્યા અને ફટાકડા ફોડીને ઉજવણી કરી.
નવેમ્બર 2024માં નોવી સાદ શહેરના એક રેલવે સ્ટેશનની છત ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 16 લોકોનાં મોત થયા હતા. આ ઘટના બાદ લોકોનો ગુસ્સો વધ્યો. સવાલો ઊઠવા લાગ્યા કે સુરક્ષાની વ્યવસ્થામાં બેદરકારી શા માટે થઈ અને તેના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી શા માટે કરવામાં આવી નહીં. લોકોએ સરકાર પર ભ્રષ્ટાચાર અને જવાબદારીથી બચવાના આરોપો લગાવ્યા. ધીમે-ધીમે વિદ્યાર્થી આંદોલન મોટું થતું ગયું. પ્રદર્શનકારીઓ સરકારમાં બદલાવની માગ કરવા લાગ્યા. તેમણે વુચિચના રાજીનામાની પણ માગ કરી. વિદ્યાર્થીઓના સતત પ્રદર્શનોના દબાણ હેઠળ વુચિચે સપ્ટેમ્બરમાં નિર્ધારિત સમય કરતાં વહેલી ચૂંટણી યોજી હતી.
ચૂંટણી જીત્યા પછી પણ સ્ટુડન્ટ લિસ્ટ સામે અનેક પડકારો છે. નવી સરકારનું નેતૃત્વ કોણ કરશે અને વિદ્યાર્થી આંદોલન પોતાના વચનો કેવી રીતે પૂર્ણ કરશે, તે હજુ સ્પષ્ટ નથી. સ્ટુડન્ટ લિસ્ટમાં 250 ઉમેદવારો છે. તેમાં યુનિવર્સિટીના પ્રોફેસરો, અભિનેતાઓ અને ખેડૂતોનો સમાવેશ થાય છે. તેના ઘણા ઉમેદવારો રાષ્ટ્રીય સ્તરે ખાસ જાણીતા નથી. યાદીનું નેતૃત્વ હૃદયરોગ નિષ્ણાત ઇલિયા સરદાનોવિચ કરી રહ્યા છે.
નવી સરકાર સામે વિદેશ નીતિનો પણ પડકાર રહેશે. સર્બિયાએ ચીન, રશિયા અને યુરોપિયન સંઘ સાથેના પોતાના સંબંધો સંભાળવા પડશે. ચીન સર્બિયામાં વધુ રોકાણ કરે છે. રશિયા તેનો જૂનો સહયોગી છે અને તેને કુદરતી ગૅસ પણ આપે છે. યુરોપિયન યુનિયન સર્બિયાનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. નવી સરકારે આ ત્રણેય સાથે સંબંધો જાળવી રાખતાં પોતાના નિર્ણયો લેવા પડશે.









