ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રત્યક્ષ અને પરોક્ષ તમામ વેપાર સંપૂર્ણપણે બંધ છે. તેમ છતાં એક ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે પાકિસ્તાનમાં ભારતીય સામાનની આયાતમાં ઉછાળો નોંધાયો છે. પાકિસ્તાનના સેન્ટ્રલ બેન્કના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પાકિસ્તાન દ્વારા ભારતમાંથી આયાત કરવામાં આવેલા ગુડસમાં 69 ટકાનો ભારે વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને ભારતમાંથી 5 હજાર કરોડથી વધુનો સામાન આયાત કર્યો છે, જ્યારે સામે પક્ષે પાકિસ્તાને ભારતને એક પણ સામાનની નિકાસ કરી નથી.
વર્ષ 2019ના પુલવામા અને 2025ના પહલગામ હુમલા બાદ સરહદો અને વેપાર પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. મેં 2025માં પાકિસ્તાને પણ ભારત સાથે વેપાર સ્થગિત કર્યો છે. વિશેષજ્ઞો અને થિન્ક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં ભારતીય પ્રોડક્ટ્સ અને એમાં ખાસ કરીને દવાઓ, ફાર્માસ્યુટિકલનો કાચો માલ, કેમિકલ્સ, પ્લાસ્ટિક અને કૃષિ ઉપકરણોની ભારે માંગ છે. આ માંગને પહોંચી વળવા માટે ગ્રે ઝોન સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે.
ભારતમાંથી નિકાસ પામતો સામાન સીધો પાકિસ્તાન જવાના બદલે દુબઈ, સિંગાપોર કે શ્રીલંકા જેવા ત્રીજા દેશના બંદર પર મોકલવામાં આવે છે. આ ટ્રાન્ઝિટ હબ્સમાં માલના દસ્તાવેજો અને પેકિંગ લેબલ્સ બદલીને કંટ્રી ઓફ ઓરિજિન તરીકે ભારતની જગ્યાએ UAE કે અન્ય દેશ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નવા કાગળ સાથે માલ પાકિસ્તાન મોકલી દેવામાં આવે છે. જેથી કાયદાકીય પ્રતિબંધોથી બચી શકાય. આ રિપોર્ટ સાબિત કરે છે કે સત્તાવાર પ્રતિબંધો છતાં પાકિસ્તાની બજારની મૂળભૂત જરૂરિયાતો અને દવાઓ જેવી આવશ્યક ચીજો માટે આજે પણ ભારતીય ઉત્પાદન પર નિર્ભર રહેવુ પડે છે.









