અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ પોર્ન વિવાદ બાદ ફરી એક વખત આવા જ વિવાદમાં સપડાયા છે. ભૂતપૂર્વ મિસ સ્વીત્ઝરલેન્ડ બીટ્રિસ કેઉલે ડૉનાલ્ડ ટ્રમ્પ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. વર્ષ 1993માં ટ્રમ્પે એક હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. અમેરિકી કોંગ્રેસની ડેમોક્રેટ સમિતિના તાજેતરના અહેવાલમાં આ બાબત સામે આવી છે. જેમાં ટ્રમ્પ અને જેફરી એપ્સ્ટીનના કથિત સંબંધો અંગે પણ તપાસ થઈ છે. વ્હાઈટ હાઉસ દ્વારા આ આરોપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા અને પ્રમુખને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર ગણાવીને આરોપો ફગાવી દીધા છે.
અમેરિકન ડ્રીમ પેજન્ટ સ્પર્ધા દ્વારા યુવતીઓને કારકિર્દી, શિક્ષણ અથવા વિઝાની મદદની લાલચ આપીને સંપર્ક સાધવામાં આવતો હતો. નવેમ્બર 1993માં 24 વર્ષીય બીટ્રિસ કેઉલ આ સ્પર્ધા માટે અમેરિકી ગઈ હતી. ત્યાં પ્લાઝા હોટલમાં ટ્રમ્પ સાથે તેની મુલાકાત થઈ, જ્યાં ટ્રમ્પે તેને ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ અને વિઝામાં મદદની ઓફર આપી હોવાનું કહેવાય છે. આ દરમ્યાન જેફરી એપ્સટીને પણ તેનો સંપર્ક કર્યો હતો. કારકિર્દી અને અભ્યાસમાં મદદની આશાએ કેઉલ ટ્રમ્પના પ્રતિનિધિ સાથે હોટલના રૂમમાં પહોંચી હતી. કેઉલના આક્ષેપ મુજબ રૂમમાં પ્રવેશતાં જ ટ્રમ્પે પાછળથી પકડીને તેની સાથે બળજબરીપૂર્વક ક્રૂર દુષ્કર્મ આચર્યું, જેમાં તેના કપડા ફાટી ગયા અને ઈજાઓ થઈ. ઘટના પછી ટ્રમ્પે તેને ચૂપ રહેવા કહ્યું અને શો ચાલુ રહેવો જોઈએ તેમ કહીને મદદની ખાતરી ફરી ઉચ્ચારી હતી.આ ઘટના પછી કેઉલ સ્વિટ્ઝરલેન્ડ પાછી ફરી અને ટ્રમ્પની ભવિષ્યની ઓફરોને ઠુકરાવી દીધી.
આ અહેવાલમાં 1997ના જિલ હાર્થ કેસ તથા ઈ.જીન કેરોલ કેસ જેવા ભૂતકાળના વિવાદોનો પણ ઉલ્લેખ છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ આ દાવાઓને ખોટા ગણાવીને સ્પષ્ટતા કરી છે કે ટ્રમ્પ સામે આ બાબતે કોઈ ફોજદારી કેસ નોંધાયો નથી.
અત્યાર સુધી 27 મહિલાઓ જાતીય શોષણના આરોપ લગાવી ચૂકી છે. જેન ડો નામની એક મહિલાએ આરોપ લગાવ્યો કે 1994માં ટ્રમ્પ અને જેફ્રી એપસ્ટીને તેમની સાથે દુષ્કર્મ કર્યુ હતુ. તે સમયે તેમની ઉંમર 13 વર્ષ હતી. 2016માં દાખલ કરાયેલો કેસ સુનાવણી પહેલાં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. પૂર્વ પત્રકાર ઈ જિન કેરોલે આરોપ લગાવ્યો કે 1990ના દાયકાના મધ્યમાં ટ્રમ્પે ન્યૂયોર્કના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં તેમની સાથે દુષ્કર્મ કર્યુ હતુ. 2023માં સિવિલ જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ માટે જવાબદાર ઠેરવ્યા હતા.









