હુથીઓ અને સાઉદી અરેબિયા વચ્ચેના વિવાદમાં હવે રશિયાની એન્ટ્રી થઈ છે. સાઉદીના મહત્વના ઓઈલ એકમો અને લશ્કરી બેઝ પર થયેલા હુમલામાં હુથીઓ દ્વારા રશિયાની મદદ લેવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવાઓના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ઘમાસાણ મચી જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. રશિયાના સરકારી અને લશ્કરી જાસૂસી ઉપગ્રહોએ ઈરાન સમર્થિત હુથીઓ અને ક્ષેત્રમાં સક્રિય આતંકી સંગઠનોને સાઉદી અરેબિયાના મહત્વના સ્થળો પર હુમલા માટે જાણકારી પૂરી પાડવામાં મદદ કરી છે.
ખાનગી જાસૂસી કંપનીએ વિશ્લેષણમાં આવો દાવો કર્યો છે. સાઉદી અરેબિયા પર થયેલા 40 મિસાઈલ અને ડ્રોન હુમલા પહેલા અને પછી સંલગ્ન વિસ્તારો પર સેટેલાઈટની એક્ટિવિટી દેખાઈ હતી. ગત માસમાં ઈરાન સમર્થિત હુથી મિલિશિયાએ અત્યંત ચોકસાઈ પૂર્વક હુમલો કર્યો હતો. તેમાં સાઉદી અરેબિયાની મહત્વની ઓઈલ પાઈપલાઈનના પમ્પિંગ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યુ હતુ. તેના થોડા દિવસો બાદ ફરીથી સાઉદી અરેબિયાના લશ્કરી બેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ઈટાલિયન લડાકુ વિમાન પણ ક્ષતિગ્રસ્ત થયુ હતુ. આ તમામ હુમલા એકદમ ચોકસાઈપૂર્વક અને સફળ હતા, આટલી જબરદસ્ત ચોકસાઈ પાછળ સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ થયો હોવાનું અગાઉથી જ માનવામાં આવી રહ્યુ હતુ. આ અંગે એક દાવો એવો પણ કરવામાં આવ્યો હતો કે હુમલાના ઘણા દિવસ પહેલા રશિયાના કેટલાય જાસૂસી ઉપગ્રહોએ જાસૂસી કરીને જાણકારી મેળવી હતી. આ માટે તે સાઉદી અરેબિયાની પાઈપલાઈન અને તેના એરબેઝ પર છેક સ્પેસમાંથી ડેરો જમાવ્યો હતો.
1 જૂલાઈથી 19 ઓક્ટોબર સુધી વચ્ચે યમનના ઇરાન સમર્થિત હુથી બળવાખોરો અને ઇરાકમાં ઇરાન સમર્થિત આતંકી સમૂહોએ સાઉદી અરેબિયા પર કરેલા 40 મિસાઇલ અને ડ્રોન હુમલાની તપાસ કરી. ફર્મને દરેક મામલામાં એકસરખી પેટર્ન જોવા મળી. આ હુમલાના કેટલાય દિવસ પહેલા અને પછી તે વિસ્તારો પર રશિયન સરકારની સરકારી અને લશ્કરના સેટેલાઇટ ચક્કર લગાવી રહ્યા હતા. રશિયા ઇરાન અને હુથીઓની મદદ કરી રહ્યું છે, જેથી તે સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઇલ અને લશ્કરી માળખાને નિશાન બનાવી શકે. આ હુમલાના લીધે વિશ્વસ્તરે ઉર્જાની કિંમત વધી ગઈ છે. ત્રણ અધિકારીઓએ જણાવ્યું હતું કે હુથીઓ અને ઇરાનના સહયોગીઓને રશિયાની જાસૂસી જાણકારી અને ચીનની ટેકનોલોજીનો ફાયદો મળ્યો છે. ઇરાનના સલાહકારોએ સ્થળ પર જ જાણકારીનું વિશ્લેષણ કર્યુ અને તેને સ્થળ પર પહોંચાડી.
સાઉદીના વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યુ હતુ કે ઈરાન અને હુથીઓને રશિયા તથા ચીનના કેટલાક તત્વો પાસેથી જાસૂસી જાણકારી મળી છે. તેમાં ક્યારેક ક્યારેક કમર્શિયલ તત્વો પણ સામેલ હોય છે. અમે ચીન અને રશિયા સાથે નિયમિત રીતે વિવિધ મુદ્દા પર ચર્ચા કરીએ છે અને આગળ પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે.









