અમેરિકામાં 3 નવેમ્બરે મિડટર્મ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, એ પછી ઈરાન સામે ફરીથી સૈન્ય કાર્યવાહી થવાની શક્યતાઓ છે. આ સંભાવનાઓને ધ્યાને રાખીને અમેરિકાના અધિકારીઓએ પશ્ચિમ એશિયાના દેશો અને પ્રાદેશિક સહયોગીઓને સાવચેત રહેવા સૂચન કર્યુ છે. ઈરાન તરફથી વળતો હુમલો થવાની શક્યતા અંગે પણ સહયોગી દેશોને તૈયારી કરી રાખવા માટે અમેરિકા તરફથી સૂચના આપવામાં આવી છે. આ પ્રકારનો અહેવાલ ફરતો થયા બાદ સમગ્ર એશિયામાં ખળભળાટ મચી ગયો છે. જો કે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે હુમલો કરવા અંગે સ્પષ્ટતા કરી નથી. અમેરિકી પ્રમુખ અગાઉ પણ નિવેદનો આપી ચૂક્યા છે કે મિડટર્મ પછી વધુ ભીષણ હુમલાઓ કરવામાં આવશે.
અમેરિકન પ્રમુખે વારંવાર તેમના ભાષણમાં સંકેત આપ્યો છે કે તેઓ મિડટર્મ પછી ઈરાન પર વધુ ઘાતક હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. મિડટર્મ બાદ ફરીથી સૈન્ય કાર્યવાહી અંગે વોશિંગ્ટન વિચાર કરી રહ્યુ હોવાનું વારંવાર ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે. વ્હાઈટ હાઉસ અને અન્ય અધિકારીઓએ આ અંગે ટિપ્પણી આપવા પર ઈન્કાર કરી દીધો છે. બીજી તરફ ઈરાન અને તેના સમર્થક દેશો વળતો હુમલો કરી શકે છે, જેના કારણે યુદ્ધ વધુ લાંબુ ખેંચાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ઈરાન ઉર્જા મથકો અને મહત્વપૂર્ણ માળખાઓને નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓના કારણે સાવચેતીના પગલા લેવા માટે પણ જણાવાયુ છે.
ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ 28 ઑક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તેહરાન રાજદ્વારી પ્રયાસોને સફળ થવાની તક આપી રહ્યું છે. તેમણે કહ્યું કે મધ્યસ્થીઓ સાથે મળીને ગયા મહિને રજૂ કરાયેલા પ્રસ્તાવના વિચારોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઇરાન આ પ્રસ્તાવને યુદ્ધવિરામ તરફ પાછા ફરવા માટેના આધાર તરીકે ઉપયોગમાં લેવા માગે છે. જોકે, ટ્રમ્પે અગાઉ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે પણ બંને પક્ષોને સંયમ રાખવા અને રાજકીય ઉકેલ તરફ આગળ વધવા અપીલ કરી છે, જેથી તણાવને કાબૂમાં રાખી શકાય અને ફરી સૈન્ય કાર્યવાહી શરૂ થતી અટકાવી શકાય.
અહેવાલ મુજબ, અમેરિકાએ ગયા મહિનાના અંતમાં USS થિયોડોર રૂઝવેલ્ટ વિમાનવાહક જહાજ સાથે મરીન સૈનિકો ધરાવતાં અનેક જહાજોને સાન ડિએગોથી પર્શિયન ગલ્ફ તરફ રવાના કર્યા હતા. તેમાં અંદાજે 9,000 સૈનિકો સામેલ છે. આ જહાજો અને સૈન્ય દળોના આગમનથી પશ્ચિમ એશિયામાં અમેરિકાની હાજરી વધુ મજબૂત થઈ છે. દરમિયાન, સંઘર્ષનો વ્યાપ પણ વધ્યો છે. ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના તેલ માળખાં અને હવાઈમથકો પર હુમલા કર્યા હોવાના અહેવાલ છે. તેના જવાબમાં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને યમનમાં હુથીના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર હુમલા કર્યા છે.
પેન્ટાગોનના તાજેતરના અંદાજ મુજબ, ઇરાન સાથેના યુદ્ધનો અમેરિકાના કરદાતાઓ પરનો ખર્ચ 47.1 અબજ ડૉલર સુધી પહોંચ્યો છે. વધતા પેટ્રોલના ભાવ અને મોંઘવારીને કારણે આ યુદ્ધ અમેરિકામાં રાજકીય મુદ્દો પણ બન્યું છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન યુદ્ધ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી છે, પરંતુ સાથે જ ચૂંટણી બાદ ફરી બોમ્બમારો કરવાની શક્યતા પણ નકારી નથી. હાલમાં અમેરિકી સૈન્ય ચૂંટણી બાદ કેટલા સમયમાં ફરી હુમલા કરવા સક્ષમ બનશે તે સ્પષ્ટ નથી. જોકે, અમેરિકાની ચેતવણીઓ અને ઇરાનના સંભવિત વળતા હુમલાની આશંકાને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે.










