આર્મેનિયાની સંસદમાં UP-બિહારવાળી, વિવાદિત નિવેદનથી છૂટ્ટાહાથની મારામારી

આર્મેનિયાની સંસદમાં ગઈકાલે વિવાદાસ્પદ બનાવ બની ગયો હતો. શાસક પક્ષ અને વિપક્ષી સાંસદો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ ગઈ. વિવાદ મહિલાઓ અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનથી શરૂ થયો હતો. સત્તા પક્ષના સાંસદ તારોન ચખોયાને વિપક્ષના નેતા નારેક કારાપેટયનને માફી માગવા માટે કહ્યું હતું. તેમણે કારાપેટયનના પરિવારને લઈને પણ નિવેદન આપ્યું હતું. આથી નારાજ વિપક્ષી સાંસદો સ્પીકરના પોડિયમ તરફ આગળ વધ્યા. જોતજોતામાં ચર્ચા મારામારીમાં ફેરવાઈ ગઈ.

આર્મેનિયાની સંસદમાં શરમજનક ઘટના સામે આવી છે. કોઈ પણ દેશની સંસદમાં આ પ્રકારની ઘટના બને તે નામોશી ભરી ઘટના સમાન ગણાય છે. સંસદમાં મારામારી દરમિયાન એક સાંસદને જમીન પર પાડી દેવામાં આવ્યો. આ મારામારી બાદ સમગ્ર કોરિડોરમાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ. ત્યારબાદ સુરક્ષાકર્મીઓ હરકતમાં આવ્યા અને બંને પક્ષોને અલગ કર્યા. ઘટનાને પગલે સંસદની કાર્યવાહી રોકવી પડી.

સ્થાનિક મીડિયા અનુસાર, ચખોયાને પોતાના ભાષણમાં વિપક્ષી નેતા કારાપેટ્યાનના પિતરાઈ ભાઈ સરગિસ કારાપેટ્યાનના જૂના નિવેદનનો ઉલ્લેખ કરીને તેમની ટીકા કરી હતી. તેમણે એક પોડકાસ્ટમાં મહિલાઓ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ જ વર્ષે જાન્યુઆરીમાં એક સમાજશાસ્ત્રીએ કહ્યું હતું કે આર્મેનિયામાં આધેડ વયની મહિલાઓની રાજકારણમાં રુચિ વધી રહી છે. તેમણે તેનું કારણ યૌન અસંતોષ હોવાનું જણાવ્યું હતું. તેમનો દાવો હતો કે આ જ કારણે કેટલીક મહિલાઓ સોશિયલ મીડિયા પર વધુ રાજકીય ટિપ્પણીઓ કરે છે. જ્યારે એક પોડકાસ્ટમાં સરગિસ સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી સત્તામાં આવશે તો દેશમાં કોઈ પણ મહિલા યૌન સંતોષથી વંચિત નહીં રહે. પોડકાસ્ટમાં સામેલ અન્ય એક વ્યક્તિએ મજાકમાં ‘સેક્સ મંત્રાલય’ બનાવવાની વાત કરી હતી. ત્યારબાદ સરગિસે કહ્યું હતું કે યૌન સંબંધો વિના વસ્તી સંબંધિત સમસ્યાઓ ઉકેલી શકાતી નથી.

આ રીતે વાતચીત મહિલાઓની રાજકીય સક્રિયતાથી શરૂ થઈને યૌન સંતોષ અને આર્મેનિયાના ઘટતા જન્મદર સુધી પહોંચી ગઈ. સત્તારૂઢ પક્ષના સાંસદ તારોન ચખોયાને સંસદમાં આ જ નિવેદનનો ઉલ્લેખ કરતાં વિપક્ષી નેતા નારેક કારાપેટયન પર નિશાન સાધ્યું. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ ટિપ્પણી બદલ અત્યાર સુધી મહિલાઓ પાસે માફી કેમ માંગવામાં આવી નથી. આ જ મુદ્દે બંને વચ્ચે દલીલ શરૂ થઈ, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ.

Join WhatsApp

Join Now

Leave a Comment