હવે પોલેન્ડમાં તખ્તા પલટની આશંકા, રાષ્ટ્રપતિ તાબડતોબ પાછા ફર્યા

પોલેન્ડમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ન્યાયતંત્રના નિયંત્રણને લઈને સંઘર્ષ વધુ ઘેરો બન્યો છે. બંધારણીય ટ્રિબ્યુનલના પ્રમુખ બોગદાન સ્વીવેચકોવ્સ્કીના સસ્પેન્શન બાદ રાજકીય વિવાદ વકર્યો છે. સરકારના નિર્ણયના વિરોધમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને હુલ્લડ વિરોધી દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાક્રમ વચ્ચે પોલેન્ડના રાષ્ટ્રપતિ કારોલ નાવરોકીએ સેનેગલનો વિદેશ પ્રવાસ અધૂરો છોડીને વોર્સો પરત ફરવાનો નિર્ણય લીધો હતો. પોલેન્ડમાં વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કની યુરોપ તરફી સરકાર અને વિપક્ષી લૉ એન્ડ જસ્ટિસ (PiS) પાર્ટી વચ્ચે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બંધારણીય સત્તાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરની ઘટનાએ આ સંઘર્ષને વધુ ઉગ્ર બનાવ્યો છે.

બંધારણીય ટ્રિબ્યુનલની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ કોર્ટની સુરક્ષા દીવાલ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કેટલાક લોકોએ પોલીસ કર્મચારીઓ પર વસ્તુઓ ફેંકી હતી. ત્યારબાદ હુલ્લડ વિરોધી પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં. પોલીસે ઘર્ષણ દરમિયાન ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ન્યાય મંત્રી વાલ્ડેમાર ઝુરેકે બંધારણીય ટ્રિબ્યુનલના પ્રમુખ બોગદાન સ્વીવેચકોવ્સ્કી અને ઉપપ્રમુખ બાર્ટોમી સોચાન્સ્કીની કાનૂની કાર્યવાહી સામેની પ્રતિરક્ષા દૂર કરવાની માગ કરી હતી. તેમનો હેતુ બંને વરિષ્ઠ ન્યાયાધીશો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો હતો.

પોલેન્ડના રાષ્ટ્રપતિ કારોલ નાવરોકી સેનેગલના ડાકારમાં સમર યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. જોકે, દેશમાં વધતા રાજકીય તણાવ વચ્ચે તેમણે પોતાનો પ્રવાસ અધવચ્ચેથી અટકાવીને પરત ફરવાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “આવા સમયે રાષ્ટ્રપતિએ પોલેન્ડમાં હોવું જરૂરી છે. હું સેનેગલની મારી ફ્લાઇટ અધવચ્ચેથી અટકાવી રહ્યો છું. હું પરત ફરી રહ્યો છું.” તેમના ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, વોર્સો પહોંચ્યા બાદ નાવરોકી બંધારણીય ટ્રિબ્યુનલમાં પણ ગયા હતા.

આ વિવાદનાં મૂળ 2015થી 2023 દરમિયાન સત્તામાં રહેલી PiS સરકારના ન્યાયિક સુધારાઓમાં છે. પોલેન્ડ અને યુરોપિયન યુનિયનના ટીકાકારોનો આરોપ હતો કે આ ફેરફારોથી શાસક પક્ષને ન્યાયિક સંસ્થાઓ પર રાજકીય નિયંત્રણ મેળવવાની તક મળી હતી. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ અને યુરોપિયન યુનિયનની કોર્ટ ઓફ જસ્ટિસે અગાઉ PiS સરકારના કાર્યકાળ દરમિયાન નિયુક્ત ત્રણ ન્યાયાધીશોની નિમણૂકને અયોગ્ય ગણાવી હતી. તેમના મતે, આ ત્રણેય જગ્યાઓ અગાઉની સંસદ દ્વારા પહેલેથી જ ભરવામાં આવી હતી. યુરોપિયન અદાલતોએ બંધારણીય ટ્રિબ્યુનલની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. 2023માં સત્તામાં આવેલા ડોનાલ્ડ ટસ્કે ન્યાયતંત્રની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. જોકે, વિપક્ષ સમર્થિત રાષ્ટ્રપતિ નાવરોકી અને તેમના પુરોગામી આન્દ્રેઝ ડુડાએ પોતાના વીટો અધિકારનો ઉપયોગ કરીને સરકારના કેટલાક સુધારા અટકાવ્યા છે. નાવરોકીએ માર્ચથી સંસદ દ્વારા ચૂંટાયેલા પાંચ ન્યાયાધીશોને શપથ લેવડાવવાનો પણ ઇનકાર કર્યો છે.

સ્વીવેચકોવ્સ્કીના સસ્પેન્શનની માહિતી શુક્રવારે સાંજે ટ્રિબ્યુનલની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. જોકે, થોડા સમય બાદ વેબસાઇટ બંધ થઈ ગઈ હતી. બીજી તરફ, ટ્રિબ્યુનલે સોશિયલ મીડિયા પર નિવેદન આપીને સ્વીવેચકોવ્સ્કી અને સોચાન્સ્કીને કાયદેસર રીતે નિયુક્ત વરિષ્ઠ ન્યાયાધીશો ગણાવ્યા હતા. ટ્રિબ્યુનલે સરકારની કાર્યવાહીનો ઉલ્લેખ ‘બળવા’ તરીકે કર્યો હતો. વડાપ્રધાન ટસ્કે કાયદાના શાસનની પુનઃસ્થાપનાને સરકારની ફરજ ગણાવી હતી. જ્યારે PiSના નેતાઓએ સસ્પેન્શનની ટીકા કરી હતી. પૂર્વ ન્યાય મંત્રી ઝબિગ્ન્યુ ઝિયોબ્રોએ આ કાર્યવાહીને બંધારણીય વ્યવસ્થા પર ગુનાહિત હુમલો ગણાવીને વિરોધ કરવાની અપીલ કરી હતી. બીજી તરફ, PiSના સમયના ન્યાયિક સુધારાઓના ટીકાકાર વકીલ માર્સિન માત્ઝાકે પણ સસ્પેન્શનના કાનૂની આધાર સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે ટ્રિબ્યુનલમાં સશસ્ત્ર પોલીસની હાજરી અને ન્યાય મંત્રીની સત્તાના અર્થઘટનની દૂરગામી અસરો થઈ શકે છે. આગામી વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલાં પોલેન્ડમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાનો મુદ્દો ફરી રાજકીય સંઘર્ષના કેન્દ્રમાં આવ્યો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment