મધ્ય પૂર્વમાં પહેલાથી જ ચાલતા ભારે તણાવ વચ્ચે યમનના હુથી બળવાખોરોએ શુક્રવારે એક સાથે અનેક સ્થળોએ હુમલા કરીને પરિસ્થિતિને વધુ વણસાવી દીધી છે. સાઉદી અને યમનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હુથીઓએ સાઉદી અરબના પવિત્ર ઇસ્લામિક શહેર મદીના અને મક્કા તરફ એક વિસ્ફોટક ડ્રોન મોકલ્યું હતું. આ ઉપરાંત, દક્ષિણી યમનના એડન શહેર સ્થિત રાષ્ટ્રપતિ ભવન (અલ-માશીક પેલેસ) અને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલો ઝીંકી હતી.
સાઉદી અરબના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને વિધિવત જાહેરાત કરી હતી કે તેણે પવિત્ર શહેર મદીના તરફ આવી રહેલા એક હુથી ડ્રોનને હવામાં જ રોકીને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે મદીનામાં પયગંબર સાહેબની મસ્જિદ (મસ્જિદ-એ-નબવી) આવેલી છે, જે ઇસ્લામના સૌથી પવિત્ર યાત્રાધામોમાંથી એક છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ મક્કા વિસ્તાર નજીકથી આવી જ રીતે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું.
બીજી તરફ, યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના મુખ્ય કેન્દ્ર ગણાતા એડન શહેરમાં હુથીઓએ ભારે તબાહી મચાવવાનો પ્રયાસ કર્યો હતો. સૈન્ય પ્રવક્તાના જણાવ્યા મુજબ હુથીઓએ રાષ્ટ્રપતિ ભવન પરિસર અને માનવીય સહાય માટે અત્યંત મહત્વપૂર્ણ એવા એડન એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલો ઝીંકી હતી.
ધડાકાથી ભયનો માહોલ: સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં બે મોટા વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો અને ત્યારબાદ ત્યાં અનેક એમ્બ્યુલન્સો પહોંચતી જોઈ હતી. જોકે, આ હુમલામાં થયેલી જાનહાનિ કે નુકસાનની વિગતો હજુ સામે આવી નથી.
સામે પક્ષે હુથી જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સાઉદી અરબના મદીના પરના હુમલાના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેમણે દાવો કર્યો હતો કે હુથી જૂથનો હેતુ માત્ર સાઉદી અરબના સૈન્ય મથકો અને તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ નિશાન બનાવવાનો છે અને તેમણે મદીના તરફ કોઈ લશ્કરી ઓપરેશન ચલાવ્યું નથી.
આ સૌની વચ્ચે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરબ જતી તેની ફ્લાઈટોને 14 નવેમ્બર સુધી રદ કરવાનો નિર્ણય કર્યો છે. હુથીઓના હુમલાને પહેલા આ બંને કંપનીઓ નિયમિત રીતે સાઉદી માટે ફ્લાઈટોનું સંચાલન કરતી હતી. જોકે હવે સ્થિતિ વણસતાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે. જોકે ફ્લાઈટો રદ થવાને કારણે મોટી સંખ્યામાં ઉમરાહ પર જનારા મુસ્લિમ શ્રદ્ધાળુઓ ત્યાં અટવાયા છે.










