હિન્દુ ધર્મ, ગૌપૂજા અને ભારતીય ડૉક્ટરો વિશે વિવાદિત ટિપ્પણીઓ કરનારા ઈઝરાયલી-અમેરિકન રબ્બી યોસી મિઝરાહીના નિવેદન પર ઈઝરાયલ સરકારે કડક વલણ અપનાવ્યું છે. મધ્ય-પશ્ચિમ ભારત માટેના ઈઝરાયલી રાજદૂત યાનીવ રેવાચે મિઝરાહીના નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે મિઝરાહીની વાતોને અત્યંત ઘૃણાસ્પદ ગણાવતા ભારતીયો અને હિન્દુ સમુદાય સમક્ષ ઈઝરાયલ તરફથી માફી માગી છે.
ઈઝરાયલી રાજદૂત યાનીવ રેવાચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો રોષ ઠાલવતા લખ્યું કે, ‘યોસી મિઝરાહીની હિન્દુ ધર્મ વિરુદ્ધની ઝેરી અને આપત્તિજનક વાતોથી મને ભારે ઘૃણા થઈ રહી છે. આ કટ્ટરપંથી અને હોલોકોસ્ટનો ઇનકાર કરનારી વ્યક્તિ પોતાની અજ્ઞાનતા સિવાય અન્ય કોઈનું પ્રતિનિધિત્વ કરતી નથી. ઈઝરાયલ અને બ્રિટનના મુખ્યધારાના યહૂદી સમુદાયોએ મિઝરાહીનો સંપૂર્ણ બહિષ્કાર કરેલો છે અને તેમનાથી અંતર જાળવી રાખ્યું છે.’
ભારત અને ઈઝરાયલ વચ્ચેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કરતા યાનીવ રેવાચે જણાવ્યું કે, ‘યહૂદીઓ અને ઈઝરાયલીઓના મનમાં ભારત અને તેની ધાર્મિક આસ્થાઓ પ્રત્યે સન્માન છે. આ મૂર્ખ વ્યક્તિના બેજવાબદાર નિવેદનથી આપણા મજબૂત સંબંધોને પહોંચેલા નુકસાન બદલ અમે દિલથી માફી માગીએ છીએ.’ ઈઝરાયલી દૂતના આ નિવેદનને બંને દેશો વચ્ચેના સંબંધોની ગંભીરતા અને સમર્થનના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વાઇરલ થયેલા વીડિયોમાં યોસી મિઝરાહીએ ગૌપૂજાનો અનાદર કરતા દાવો કર્યો હતો કે ભારતમાં લોકો અને ડૉક્ટરો ગૌમૂત્રનું સેવન કરે છે. આ ઉપરાંત તેમણે દિલ્હીના ટ્રાફિક અને ભારતીયોની મજાક ઉડાવી હતી. મિઝરાહી અગાઉ 2015માં હોલોકોસ્ટમાં માર્યા ગયેલા યહૂદીઓના આંકડા બાબતે ખોટા દાવા કરવા બદલ, 2016માં 16 ઓર્થોડોક્સ રબ્બીઓ દ્વારા ટીકા પામવા બદલ અને 2019માં બ્રિટનમાં સભાઓ દરમિયાન પણ ભારે વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે.










