4 નવેમ્બરે યુદ્ધના ભણકારા ? ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ચર્ચા

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર 4 નવેમ્બરે અમેરિકા અને ઈરાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ફોન પર ચર્ચા કરી છે. ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા એક બે ઠેકાણાઓ પર હુમલો કરવાનો બાકી છે. તેમાં પિક્સેસ માઉન્ટેન પણ સામેલ છે. વોશિંગ્ટને ખાડી દેશોને નવા હુમલા માટે તૈયાર રહેવા પણ જણાવ્યુ છે. 4 નવેમ્બરથી નવા હુમલાઓ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરે અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

એક રિપોર્ટ અનુસાર અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પોતાની તાકાત વધારવાનું શરૂ કરી દીધુ છે. 9 હજાર સૈનિકો સાથેનું વિશાળકાય યુદ્ધ જહાજ આ માસમાં પશ્ચિમ એશિયામાં તૈનાત થઈ જશે, તો એર ડિફેન્સ સિસ્ટમ, દારૂગોળા અને અન્ય સૈન્ય સાધનો પણ ચકાસી અને તૈનાત કરી લેવામાં આવ્યા છે. ઈરાન હુમલો કરી શકે તેવા ઠેકાણાઓ પરથી પોતાના સૈન્યને ખસેડવાનું પણ શરૂ કરી દીધુ છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અને ઈઝરાયલે હુમલાની તૈયારી કરી લીધી છે. ગયા અઠવાડિયે અમેરિકાના 10 સૈન્ય માલવાહક વિમાનો ઇઝરાયેલ પહોંચ્યાં હતાં. આ વિમાનોમાં હવાઈ હુમલાથી બચાવ માટે જરૂરી સાધનો હોવાની વાત કહેવામાં આવી રહી છે. તેનો ઉપયોગ ક્ષેત્રમાં અમેરિકા અને તેના સહયોગી દેશોના સૈન્ય ઠેકાણાઓની સુરક્ષા માટે કરવામાં આવશે.

બે સપ્તાહ અગાઉ જ ઈઝરાયલના અનેક ફાઈટર પ્લેન ઈરાનની સરહદ સુધી ઉડાન ભરી હતી અને પછી પરત ફર્યા હતા, કેટલાક અહેવાલો એવુ દર્શાવે છે કે તે સૈન્ય અભ્યાસનો એક ભાગ હતો. ઈરાન સાથેનું યુદ્ધ, અમેરિકામાં વધતા ઈંધણના ભાવ રિપબ્લિકન પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યા છે. ટ્રમ્પ ચૂંટણીના છેલ્લા દિવસોમાં પ્રચાર અભિયાનોમાં વ્યસ્ત છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ઈરાન પર આરોપ મૂક્યો કે તે પોતાની માગણીઓ મનાવવા માટે જહાજો પર હુમલા કરવા અને પડોશી દેશોના તેલ-ગેસ ઠેકાણાઓને નષ્ટ કરવાની ધમકી આપી રહ્યું છે.

ઈરાને પણ હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી છે. તેહરાનથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ, ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ સૈન્ય કમાન્ડરોને કોઈપણ નવા હુમલાનો તાત્કાલિક અને જોરદાર જવાબ આપવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે જવાબી કાર્યવાહીની કોઈ ભૌગોલિક મર્યાદા રહેશે નહીં. એટલે કે ઈરાન જરૂર પડ્યે કોઈપણ વિસ્તારમાં આવેલા દુશ્મનના ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. ઈરાનના સેનાપ્રમુખ જનરલ અલી અબ્દોલ્લાહીએ પણ ચેતવણી આપી છે કે તેમના દેશે સંભવિત નિશાનોની યાદી વધારી દીધી છે. અમેરિકા તરફથી વધુ એક હુમલો થયો તો ઈરાન મોટા પાયે જવાબી કાર્યવાહી કરશે.

Join WhatsApp

Join Now

Leave a Comment