Mass Protest in Europe: મોંઘવારી અને શિક્ષણની કથિત અવ્યવસ્થાને લઈને શિક્ષિત ગણાતા વિકસિત દેશોમાં હવે જનતા વિફરી છે. ઈટાલી અને ફ્રાન્સમાં વિરોધનો જુવાળ શાંત નથી થયો ત્યાં તો હવે જર્મની અને પોર્ટુગલમાં પણ વિરોધના બ્યુગલ ફૂંકાવા શરૂ થઈ ગયા છે. પશ્ચિમી દેશના ગોરા લોકો જે સભ્યતા અંગે વિકાસશીલ દેશોની મજાક ઉડાવતા હતા તેઓ જ અસભ્ય બનીને હવે રસ્તા પર ઉતરી આવ્યા અને આગજની, લૂંટફાટ, તોડફોડ મચાવી દીધી છે.
3.20 લાખ લોકોએ વિકેન્ડમાં વિરોધ પ્રદર્શનો યોજ્યા
વિકસિત દેશ ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સમાં સતત ત્રીજા વિકેન્ડમાં પણ ભારે દેખાવો અને વિરોધ પ્રદર્શનો યોજાયા. સમગ્ર ફ્રાન્સમાં દેખાવકારો સડક પર ઉતરી આવ્યા. જો કે આ વિકેન્ડમાં દેખાવો એકંદરે શાંતિપૂર્ણ રહ્યા. દેખાવકારોએ હેલોવીનની રંગબેરંગી વેશભૂષા ધારણ કરી હતી, જેના કારણે માહોલ હળવો રહ્યો હતો. તેમ છતાં પણ પેરિસમાં માહોલ એવો નહતો, પ્રદર્શનકારીઓ આક્રમક બની જતા ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કેટલાક જૂથોએ આગચંપી પણ કરી હતી. ફ્રાન્સના ગૃહ પ્રધાનની ચેતવણીના કારણે 70 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરી દેવાયા હતા. ફ્રાન્સમાં 3.20 લાખથી વધુ લોકો દેખાવોમાં સામેલ થયા હતા. અગાઉ કરતા આ સંખ્યા ઓછી હતી, તેમ છતાં પણ ઘણી મોટી છે. 17 ઓક્ટોબરે દેખાવમાં 5 લાખ લોકો અને 24 ઓક્ટોબરે 4 લાખ લોકો સામેલ થયા હતા.
જર્મનીમાં 30થી વધુ શહેરોમાં રેલીનું આયોજન કરાયુ
જર્મનીમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, જળવાયુ સંરક્ષણ અને સસ્તા જીવનની માંગને લઈને જનતા વિરોધ પ્રદર્શનમાં ઉતરી હતી, જેન ઝેડ રિગલેન્ટ નામના યુવાનોના જૂથે 30થી વધુ શહેરોમાં રેલીનું આયોજન કર્યુ હતુ. યુવાનોએ સૈન્ય ભરતીને ફરીથી લાગુ કરવાનો પણ નિર્ણય લીધો હતો. આયોજકોએ દાવો કર્યો હતો કે દેખાવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પરંતુ તેનો સત્તાવાર આંકડો સામે આવ્યો નથી.
પોર્ટુગલમાં ભાડા સંબંધી કાયદાનો વિરોધ
પોર્ટુગલમાં પણ રહેણાંક સમસ્યાએ માઝા મુકી છે. જનતા રહેણાંક સમસ્યાઓથી ત્રસ્ત છે અને હવે સરકાર સામે અવાજ ઉઠાવી રહી છે. પોર્ટુગલના લિસ્બન અને પોટો શહેરમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. સરકાર ભાડા સંબંધી કાયદાને પરત લે તેવી પ્રદર્શનકારીઓ માંગ કરી રહ્યા છે. લોકોનું માનવુ છે કે સરકારના આ કાયદાના કારણે લોકોને રહેવાની પારાવાર સમસ્યાઓ થશે.









