હોર્મૂઝમાં હુમલા કરવા માટે હવે નવી રીત, લિમ્પેટ માઈન્સ લગાવી હુમલા

હોર્મુઝમાં 27 ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા તેલ ટેન્કર MT લુઈસ 1 પર હુમલો થયો. પનામાનો ધ્વજ ધરાવતા આ ટેન્કરની નજીક એક નાની હોડી આવી હતી. હોડીમાંથી આવેલા લોકોએ જહાજના બાહ્ય ભાગ હુલ પર બે લિમ્પેટ માઇન્સ ચોંટાડી અને ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વાર પછી બંને વિસ્ફોટકોમાં વિસ્ફોટ થયો, જેના કારણે જહાજના એન્જિન રૂમમાં આગ લાગી. વિસ્ફોટના કારણે જહાજનું એન્જિન થોડા સમય માટે બંધ થઈ ગયું. જોકે, ક્રૂએ આગ પર કાબૂ મેળવી લીધો અને જહાજને સુરક્ષિત કરી લીધું. જોકે, હુમલા પાછળ કોનો હાથ છે તેની પુષ્ટિ થઈ નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે જહાજ પર સવાર તમામ 27 ભારતીય નાવિકો સુરક્ષિત છે. કોઈને ઈજા થઈ નથી.

પ્રથમ વખત લિમ્પેટ માઈન્સથી હુમલો

ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ હોર્મુઝમાં પહેલીવાર લિમ્પેટ માઇન્સથી હુમલો થયો છે. બ્રિટિશ મેરિટાઇમ એજન્સી UKMTO મુજબ, જહાજ પરનો હુમલો ઓમાનના ખાસાબ શહેરથી આશરે 46 કિલોમીટર દૂર થયો હતો. ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) મુજબ, 28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયા બાદથી 27 ઓક્ટોબર સુધી હોર્મુઝ અને તેની આસપાસ 120 દરિયાઈ ઘટનાઓ બની છે. તેમાં વેપારી જહાજો પરના હુમલાઓનો પણ સમાવેશ થાય છે.

શું છે લિમ્પેટ માઈન્સ ?

લિમ્પેટ માઈન્સ પાણીમાં સબમરીન કે જહાજો પર ચોંટાડવામાં આવતો વિસ્ફોટક છે. તેની બનાવટમાં ચુંબકીય ગુણધર્મ હોવાથી લોખંડના જહાજ સાથે સરળતાથી ચોંટી જાય છે. તાલીમ પામેલા ડાઈવર્સ પાણીની અંદર તરીને જહાજના તળિયે આવા માઈન્સ લગાવે છે. જેમાં ટાઈમર હોય છે. જેનાથી હુમલાખોર દૂર ગયા પછી, નિર્ધારીત સમયે બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટના કારણે જહાજમાં મોટુ ગાબડુ પડે છે અને પાણી ભરાવાથી ડૂબી જાય છે. લિમ્પેટ એક પ્રકારનો દરિયાઈ જીવ છે, જે ખડકો પર મજબૂતાઈથી ચોંટી જાય છે. આ પ્રકારના માઈન્સ નાના અને હલકા હોવાથી દુશ્મનને ત્રાટકવાનો કોઈ સંકેત પણ મળતો નથી.

Join WhatsApp

Join Now

Leave a Comment