બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગના શ્રમિકોએ પગાર વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો યોજ્યા

યુરોપ સાથે હવે બાંગ્લાદેશમાં એક નવુ જ આંદોલન શરૂ થયુ છે. બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગના શ્રમિકોએ લઘુત્તમ વેતનમાં વધારાની માંગ સાથે મોટુ આંદોલન શરૂ કર્યુ છે. હજારો શ્રમિકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા. શ્રમિકોએ હાઈવે ચક્કાજામ કરી દેતા પોલીસ સાથે ઘર્ષણ પણ થયુ હતુ. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સહિત ત્રણ વિસ્તારોમાં કાપડ ફેક્ટરીના શ્રમિકોએ પગાર વધારાની માંગને લઈ હિંસક વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

ચીન પછી બાંગ્લાદેશ દુનિયામાં સૌથી વધુ કપડાં મોકલતો બીજો મોટો દેશ છે, જ્યાં વિશ્વની મોટી-મોટી બ્રાન્ડ્સના કપડાં બને છે. હાલ આ વિરોધ દેશના અલગ-અલગ ફેક્ટરી વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઢાકાના મીરપુર વિસ્તારમાં શ્રમિકોએ રસ્તાઓ જામ કરી દીધા. પ્રદર્શનકારીઓએ પોલીસ પર ઈંટો અને પથ્થરો ફેંક્યા અને એક પોલીસ વાહનમાં આગ લગાવી દીધી. ગાઝીપુરમાં મજૂરોએ હાઈવે જામ કર્યો અને પોલીસ ચોકીમાં આગ લગાવી દીધી. જ્યારે, આશુલિયામાં ઓછામાં ઓછી 30 ફેક્ટરીઓ બંધ રહી.

કાપડ ઉદ્યોગના શ્રમિકોની માંગ છે કે તેમનું લઘુત્તમ વેતન માસિક 9600થી વધારીને 23 હજાર રૂપિયા કરવામાં આવે. ઢાકાના મીરપુર-10 ચોક પર શ્રમિકો એકત્ર થયા. આ દરમિયાન તેમણે રસ્તાઓ રોકી દીધા. તેના કારણે શ્રમિકો અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઈ. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક શ્રમિકોએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. ભીડને હટાવવા માટે ટિયર ગેસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. રાજધાની ઢાકાની ઉત્તરે આવેલા ગાઝીપુરમાં સેંકડો મજૂરોએ ઢાકા-તંગેલ હાઇવે જામ કરીને વાહનોમાં તોડફોડ કરી હતી.

સરકારે રવિવારે જ ગારમેન્ટ ઉદ્યોગમાં લઘુત્તમ વેતનની સમીક્ષા માટે એક ‘વેતન બોર્ડ’ બનાવવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ માટે આ ઉદ્યોગ ખૂબ મહત્ત્વનો છે કારણ કે લાખો લોકોને તે રોજગારી આપે છે અને દેશની મોટાભાગની નિકાસ કમાણી આ ક્ષેત્રમાંથી થાય છે. પરંતુ શ્રમિક નેતાઓનું કહેવું છે કે, ‘માત્ર બોર્ડની રચનાથી અમારી સમસ્યાઓ ઉકેલાશે નહીં.’ તેમણે સતત વધી રહેલી મોંઘવારી અને ઘરચલાવવાના ખર્ચનો હવાલો આપીને વિરોધ ચાલુ રાખ્યો છે. થોડાં વર્ષો પહેલાં જે મકાનનું ભાડું આશરે 2,000 રૂપિયા હતું, તે હવે વધીને 6,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. ખાવા-પીવા, સારવાર અને બાળકોના અભ્યાસનો ખર્ચ પણ વધ્યો છે. આ જ કારણસર શ્રમિકો લઘુત્તમ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. સરકારે વેતન બોર્ડ તો બનાવી દીધું છે, પરંતુ હજુ એ નક્કી થયું નથી કે પગારમાં કેટલો વધારો થશે અને નવા દરો ક્યારથી લાગુ થશે.

પરિસ્થિતિ ગંભીર બનતાં વડાપ્રધાન તારિક રહેમાને કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બેઠક બાદ ગૃહમંત્રી સાલાહુદ્દીન અહમદે જણાવ્યું કે, વડાપ્રધાને શ્રમિકો ના અધિકારો સુનિશ્ચિત કરવા અને તેમના જીવનધોરણમાં સુધારો લાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉત્પાદન અને નિકાસનું કામ અટકવું ન જોઈએ. સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓને હિંસા, અરાજકતા અને અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિયેશન (BGMEA) મુજબ, દેશમાં આશરે 4 હજાર રજિસ્ટર્ડ કાપડ ફેક્ટરીઓ છે. તેમાં 40 લાખથી વધુ લોકો કામ કરે છે. ચીન પછી બાંગ્લાદેશ વિશ્વમાં સૌથી વધુ કાપડની નિકાસ કરતો બીજો દેશ છે. બાંગ્લાદેશના કાપડ 150થી વધુ દેશોમાં વેચાય છે. BGMEA મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં બાંગ્લાદેશે આશરે 3.68 લાખ કરોડ રૂપિયાના કાપડ અન્ય દેશોમાં વેચ્યા.

Join WhatsApp

Join Now

Leave a Comment